Vadodara News: વડોદરા શહેરમાં ગુરુવાર (26 જૂન) મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અને મૂળ દિલ્હીના એક યુવક પર અજાણ્યા બાઈક સવાર બે શખસોએ ગોળીબાર કર્યો હતો. હુમલામાં યુવકના ખભામાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, યુવક કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેની કારને ઓવરટેક કરી રોકી હતી. ત્યારબાદ નજીકથી તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી વાગ્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે આસપાસના લોકો ઇજાગ્રસ્ત યુવકની મદદ માટે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં વડોદરા શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે.
આ મામલે DYSP પી. એન. પટેલે જણાવ્યું કે, કારમાં જઈ રહેલા યુવકને બે બાઈક સવાર શખસોએ ઓવરટેક કરીને તેના પર ફાયરિંગ કર્યું હતું. હાલ ટેક્નિકલ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત, વ્યાવસાયિક વિવાદ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે સહિત તમામ પાસાઓથી પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ખાડિયાની સોનીની દુકાનમાં ફાયરિંગ કરીને કરોડોની લૂંટ કરનાર મુખ્ય આરોપી આખરે ઝડપાયો
આ પણ વાંચો: સિંગર ગુરુ રંધાવાના જીમ બહાર ફાયરિંગ કરનારા બિશ્નોઈ ગેંગના 2 શૂટરોનું એન્કાઉન્ટર
આ પણ વાંચો: વડોદરામાં ચોંકાવનારી ઘટના: બાળકી હત્યા કેસના આરોપીએ PSIની પિસ્તોલ ઝૂંટવી કરી ફાયરિંગ
