Jharkhand news/ ઝારખંડમાં 24 કલાકમાં 5નાં મોત, 8 ગંભીર રીતે દાઝ્યા

ઝારખંડ (Jharkhand) માં 24 કલાકમાં આકાશી વીજળીના કહેરથી 5ના મોત, 8 ગંભીર રીતે દાઝ્યા; વહીવટીતંત્રે ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી.

Top Stories India
Jharkhand

Jharkhand News: ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં પડેલી આકાશી વીજળીની અલગ-અલગ ઘટનાઓમાં 5 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ, એક કિશોરી અને એક 12 વર્ષનો બાળક સામેલ છે.

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર લોહરદગા જિલ્લો રહ્યો છે. અહીં બે અલગ-અલગ સ્થળોએ વીજળી પડતાં બે મહિલાઓના મોત થયા હતા અને 8 +લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ, કુડૂ પોલીસ સ્ટેશન વિસ્તારના સલગી કોલપારા ગામની 48 વર્ષીય ઘૂરતી ઉરાંવ ખેતરમાં બદામની વાવણીનું કામ કરી રહી હતી ત્યારે અચાનક આકાશી વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ બગડૂ પોલીસ સ્ટેશન વિસ્તારના ચરહૂ ગામની 40 વર્ષીય અસિદા ખાતૂન બકરીઓ ચરાવવા ગઈ હતી, ત્યારે તે પણ વીજળીની ચપેટમાં આવી જતાં જીવ ગુમાવ્યો હતો.

આ બંને ઘટનાઓમાં કરમા ઉરાંવ સહિત કુલ આઠ લોકો ઘાયલ થયા છે, જેમની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી દીધા છે.

આ ઉપરાંત, પલામૂ જિલ્લાના પાંકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આકાશી વીજળીની બે અલગ ઘટનાઓમાં એક વૃદ્ધ મહિલા અને 12 વર્ષના બાળકનું મોત થયું હતું. ઢૂબ ગામની 60 વર્ષીય ચિંતા કુંવર ગાયની દેખરેખ રાખી રહી હતી. ભારે વરસાદ શરૂ થતાં તેઓ ઝાડ નીચે ઊભા રહ્યા હતા, ત્યારે વીજળી પડતાં ગંભીર રીતે દાઝ્યા હતા. હોસ્પિટલ લઈ જતાં માર્ગમાં તેમનું મોત થયું હતું.

ઉકસૂ ગામનો 12 વર્ષીય કનેશ કુમાર ઘરેથી ગાય બાંધવા બહાર નીકળ્યો હતો, ત્યારે આકાશી વીજળી પડતાં તેનું પણ મોત થયું હતું.

ચતરા જિલ્લાના લાવાલૌંગ પ્રખંડના રિમી ગામમાં પણ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં કિશોરી પૂજા કુમારી આમના બગીચા નજીક ઉભી હતી ત્યારે ગાજવીજ સાથે વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આકાશી વીજળીની આ દુર્ઘટનાઓ બાદ સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને વરસાદ અને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાન, ખેતરો તેમજ ઝાડ નીચે ઊભા ન રહેવા અને સલામત સ્થળે આશરો લેવા અપીલ કરી છે.


આ પણ વાંચો : દેશમાં ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં અનેક વિસ્તારોમાં હવામાનનો કહેર, વીજળીના કડાકાથી 16નાં મોત

આ પણ વાંચો : બિહારમાં સતત પડી રહ્યો છે મુસળધાર વરસાદ, આકાશી વીજળી પડતાં 15 લોકોનાં મોત

આ પણ વાંચો : ખંભાતમાં વીજળી પડવાના દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલમાં કેદ થયા, મોબાઇલ ટાવર પર પડી વીજળી