Monsoon Update India/ દેશમાં ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં અનેક વિસ્તારોમાં હવામાનનો કહેર, વીજળીના કડાકાથી 16નાં મોત

દેશમાં ચોમાસા (Monsoon) ની ધીમી ગતિ વચ્ચે હવામાને ભારે તબાહી મચાવી, હવામાન વિભાગે 23 જૂનથી તેલંગાણાથી ચોમાસું આગળ વધવાની અને અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે.

Top Stories India
Monsoon

Monsoon Update India: દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડી હોવા છતાં હવામાનના બદલાતા મિજાજે અનેક રાજ્યોમાં ભારે અસર સર્જી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં આકાશી વીજળી પડવાના બનાવોમાં કુલ 16 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ તેલંગાણા વિસ્તારમાં અટકેલું છે અને આગામી 23 જૂન આસપાસ તે છત્તીસગઢ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ચોમાસું અત્યાર સુધી દેશના 19 રાજ્યોમાં પહોંચી ચૂક્યું છે, પરંતુ છેલ્લા 12 દિવસથી તેની ગતિ ધીમી પડી છે.

ચોમાસું (Monsoon) ઝડપ પકડશે! આગામી 5 દિવસમાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ

બીજી તરફ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. દેશનું સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બાંદા શહેરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગ અનુસાર મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં પ્રવેશી શકે છે.

રાજસ્થાનના કોટા, ઉદયપુર અને અજમેર સહિત 12 જિલ્લાઓમાં આજે આંધીઅને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી પણ કરી છે. બીજી તરફ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 21 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.