Banaskatha News:વાવ-થરાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના નામે મોટા-મોટા પ્રોજેક્ટ્સની જાહેરાતો થઈ રહી છે,પરંતુ મૂળભૂત સુવિધાઓમાં હજુ પણ ખોટ વરતાઈ રહી છે. વાવ તાલુકાના ગામડાઓને જોડતા વાવથી ખિમાણા, વાસ અને બુકાણા તરફ જતા રોડનું કામ છેલ્લા સાત મહિનાથી ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો, રાહદારીઓ, વાહનચાલકો અને ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.આ રોડ (Road Construction)નું કામ શરૂ થયા પછી પણ માત્ર થોડા ભાગમાં જ જમીન સમતળ કરવામાં આવી છે.

સાત માસથી ગોકળગતિએ રોડ (Road Construction) બનતા સ્થાનિકો ત્રાહિમામ
બાકીના મોટા ભાગમાં ખોદકામ (Road Construction) કર્યા પછી કામ અટકી ગયું છે. ધૂળના ઢગલા, ખાડાઓ અને અધૂરા કામને કારણે વાહનોને ચલાવવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને વરસાદી મોસમમાં આ રસ્તો કાદવના તળાવમાં ફેરવાઈ જાય છે, જેનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનને માર્કેટ સુધી પહોંચાડવામાં અને શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.

સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, રોડની કામગીરીમાં (Road Construction) ગુણવત્તા ઢીલી છે. નીતિ-નિયમોને બાજુએ મૂકીને કામ થઈ રહ્યું હોવાની ફરિયાદો છે. રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. કામ દરમિયાન પાઈપલાઈન તૂટી ગઈ હતી, છતાં તેનું રિપેર કરવામાં મહિનાઓથી ઠાગાથૈયા ચાલી રહ્યા છે. પાણીનો ભરાવો અને લીકેજને કારણે આસપાસના ખેતરોને પણ નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો:વાવ-થરાદમાં શાળામાં ધુણતા વિદ્યાર્થીનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:વાવ-થરાદમાં સરપંચના જ મકાનમાં ચાલતું હતું ગેરકાયદે કામ, સાયબર સેલની કાર્યવાહી
