ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ વિધિ પિતૃઓને તો તારે જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે. આમ તો દરેક અમાસ પિતૃઓને સમર્પિત છે. પરંતુ, ભાદરવા માસમાં આવતી અમાસ એટલે કે પિતૃપક્ષની અમાસની સવિશેષ મહત્તા છે. આ અમાસ સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખાય છે. કહે છે કે આ દિવસે કરેલું શ્રાદ્ધકર્મ જરૂરથી પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ખાસ વાત તો એ છે કે આ વર્ષે આ અમાસ વિશેષ સંયોગ સાથે આવી રહી છે.
આ વર્ષે સર્વ પિતૃ અમાસ 6 ઓક્ટોબર, 2021 ને બુધવારના રોજ આવી રહી છે. બુધવારી અમાસનું એક આગવું જ મહત્વ છે અને તેમાં પણ આ વખતે અમાસના રોજ ગજછાયા યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગને ગજચ્છાયા યોગ પણ કહે છે. માન્યતા અનુસાર પિતૃ તર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે આ યોગ સર્વોત્તમ છે. પુરાણાનાસુર જોઈએ તો ગજછાયા યોગમાં શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે ! એટલે કે તેમની 12 વર્ષની ક્ષુધા એક જ દિવસના શ્રાદ્ધકર્મથી શાંત થઈ જાય છે.
મૃત્યુ તિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસે કરવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. તેમજ જરૂરિયાતમંદોને દાન આપવું. સામાન્ય દિવસોમાં થતા દાન કરતા ગજછાયા યોગમાં થતું દાન અનેક ગણાં પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
