હુમલો/ તાલિબાનોએ ISના ઠેકાણા પર કર્યો હુમલો,અનેક વિદ્રોહી માર્યા ગયા

આઇએસે ઇદગાહ મસ્જિદની બહાર રવિવારના દિવસે  બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા

World

તાલિબાને સોમવારે કહ્યું હતું કે તેના લડવૈયાઓએ અફઘાન રાજધાનીમાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણા પર હુમલો કર્યો હતાે. આ દરમિયાન ઘણા આઇએસના આતંકવાદીઓ માર્યા ગયા હતા. આઇએસે ઇદગાહ મસ્જિદની બહાર રવિવારના દિવસે  બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. જોકે આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, પરંતુ શંકાની સોય ઈસ્લામિક સ્ટેટ પર જ ગઈ હતી.આ હુમલાના બદલામાં તાલિબાનો તેમના ઠેકાણા પર હુમલો કરીને અનેક આઇએસના આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો હતો.

ઉલ્લેખનીય છે  કે 15 ઓગસ્ટના રોજ કાબુલ કબજે કર્યા બાદથી ઈસ્લામિક સ્ટેટે તેના દુશ્મન તાલિબાન સામે હુમલાઓ તેજ કર્યા છે.રવિવારે વિસ્ફોટો થયા ત્યારે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદની માતાના મૃત્યુના શોક માટે તાલિબાન અધિકારીઓ મસ્જિદમાં ભેગા થયા હતા.

મુજાહિદે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તાલિબાન દળોએ ઉત્તરી કાબુલના ખૈર ખાના પડોશમાં ઇસ્લામિક સ્ટેટ ઓપરેશન સેન્ટર પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું નથી કે કેટલા આઇએસ આતંકવાદી માર્યા ગયા છે અથવા ઓપરેશનમાં કેટલા તાલિબાન ઘાયલ થયા છે.

ઇસ્લામિક સ્ટેટ જૂથે 26 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 169 થી વધુ અફઘાન અને 13 અમેરિકી દળો માર્યા ગયા હતા. આ વર્ષની શરૂઆતમાં, અફઘાનિસ્તાનના દશ્ત-એ-બરચીમાં એક શાળા પર થયેલા ક્રૂર હુમલા માટે ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. આ હુમલામાં 80 થી વધુ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા.