દિવાળીના તહેવાર નિમિતે આપણા ઘરે મહેમાનો આવે છે. આપણે ત્યાં પરંપરા છે કે આપણે મહેમાનોનું મોઢું મીઠું કરાવવાનું સાથે જ નાસ્તો પણ કરાવીએ છીએ. ત્યારે આ વખતે જો તમને કોઈ નવા પ્રકારનો નાસ્તો મહેમાનોને સર્વ કરવાની ઈચ્છા હોય તો આ તમારા માટે એક સારી વાનગી સાબિત થઈ શકે છે. આ બ્રેડ બાસ્કેટ ચાટ તમે નમકીનને બદલે સર્વ કરી શકો છો.
સામગ્રી
- બ્રેડ બાસ્કેટ માટે
- બ્રેડના સ્લાઈસ – 6
- તેલ અને ઘી – 4 ચમચી
- સ્ટફિંગ માટે આલૂ ચાટ
- બાફીને છોલેલા અને સમારેલા બટાકા – 1 કપ
- સફેદ વટાણા બાફેલા – 1 કપ
- ઝીણી સમારેલી ડુંગળી – 1/4 કપ
- મીઠું – સ્વાદ અનુસાર
- લાલ મરચું પાવડર – 1 ટીસ્પૂન
- જીરું પાવડર – 1 ટીસ્પૂન
- ચાટ મસાલો – 1 ટીસ્પૂન
- દાડમ – 1/4 કપ
- દહીં – 1/4 કપ
- ફુદીનાની ચટણી – 1/4 કપ
- મીઠી ચટણી – 1/4 કપ
- સેવ ભુજીયા – 1/4 કપ
- કોથમીર સમારેલી – 1 ચમચી
રીત:
બ્રેડની કિનારીઓને કાપી લો, હવે પાટલી પર વેલણથી બ્રેડને વણી લો, જેથી બ્રેડ પાતળી થઈ જશે. આનાથી બ્રેડને શેપ આપવો સરળ થઈ જશે. મફિન મોલ્ડને તેલ કે ઘીથી ગ્રીસ કરી લો અને એમાં વણી લીધેલી બ્રેડ મૂકી દો. હવે આને 180 ડિગ્રી સેલ્સિયસ પર 15 મિનિટ માટે બેક કરી લો, આ એકદમ ક્રિસ્પી થઈ જશે. થોડું ઠંડુ થવા પર મોલ્ડમાંથી બહાર કાઢી લો.
ચાટનું સ્ટફિંગ
બાફેલા બટાકા, વટાણા, ડુંગળી, મીઠું, બધા મસાલા અને દાડમ નાખીને મિક્સ કરો. સ્વાદ અનુસાર મસાલા વધારે ઉમેરી શકાય છે. હવે બ્રેડ બાસ્કેટમાં ચાટનું સ્ટફિંગ ભરો અને ઉપર દહીં, મીઠી ચટણી અને ફુદીનાની ચટણી નાખો. ઉપર લીલી કોથમીર અને સેવ ઉમેરીને સર્વ કરો. બ્રેડ બાસ્કેટ ચાટ સર્વ કરવા માટે તૈયાર છે.
