Food Recipe: છઠ મહાપર્વ (Chhath Puja) બિહાર સહિતના ભારતના અનેક ક્ષેત્રોમાં અને રાજ્યોમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે. ‘નહાય-ખાય’ થી શરુ થતા આ પાવન પર્વના બીજા દિવસે ‘ખરના’ હોય છે. આ દિવસે વ્રત કરનારી મહિલાઓ ખરનાની ખીર (Kharna Kheer Recipe) બનાવે છે અને એને પ્રસાદના રુપે વહેંચવામાં આવે છે. ‘નહાય-ખાય’ થી જ શુદ્ધ અને સાત્વિક ભોજન ખાવાની શરુઆત થાય છે. ખરનાના દિવસે વિશેષ કરીને દૂધ, ચોખા અને ગોળથી બનેલી ખીર બનાવવામાં આવે છે. આ ખીરને સૂર્ય દેવ અને છઠ્ઠી મૈયાને અર્પિત કરવામાં આવે છે અને પછી પરિવારના લોકો એને પ્રસાદ રુપે ગ્રહણ કરે છે.
જો તમે પણ ખીરના શોખીન હો તો આ પ્રકારની ખરના વાળી ખીર બનાવીને અવશ્ય ખાવી. ‘ખરના’નો અર્થ છે આખો દિવસ ઉપવાસ કરવો, મોટા ભાગે આ ઉપવાસ નિર્જળા રાખવામાં આવે છે….સાંજે આંબાના લાકડા પર આ ખાસ ગોળની ખીર બનાવવામાં આવે છે. સૂર્યને સાંજે અર્ઘ્ય આપ્યા બાદ જ પારણા કરવામાં આવે છે.
શી રીતે બનાવશો ખરના ખીર? (Kharna Kheer Recipe)
ખરના સ્પેશ્યલ ખીર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 લિટર દૂધ
1 કપ ચોખા
200 ગ્રામ ગોળ
1 નાની ચમચી ઈલાયચી
સૂકો મેવો (ઇચ્છાનુસાર)
2 ચમચી દેશી ઘી
પાણી આવશ્યકતા અનુસાર

બનાવવાની વિધિ
1. ખરનાની ખીર ચોખા (Rice)થી બને છે અને એમાં ગળપણ માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ 1 કપ ચોખા લેવા. એને ધોઈને 1 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા.
2. 2 થી 3 લીટર દૂધ (Milk) લઈને એને ઘટ્ટ કરવા મૂકવું. દૂધમાં ઉભરો આવે પછી એમાં ધોયેલા ચોખા ઉમેરીને પકાવી લેવા.
3. ગોળના નાના-નાના ટુકડા કરી લેવા જેથી એ સરળતાથી ઓગળી શકે. જ્યારે દૂધમાં ચોખા સારી રીતે રંધાઇ જાય પછી એમાં ગોળ સીધો ન ઉમેરવો કારણકે ઘણી વાર એમ કરવાથી ખીર ફાટી શકે છે.
4. ગોળને એક અન્ય વાસણમાં થોડું પાણી નાખીને ધીમા તાપે ઓગળવા દેવો. જ્યારે ચોખા લગભગ રંધાવા આવે ત્યારે આ ગોળવાળું પાણી ખીરમાં મિક્સ કરી દેવું.
5. અહિં ખીરને સતત હલાવતા રહીને પકાવતા રહેવાનું છે. જ્યારે ખીર તૈયાર થવા આવે ત્યારે 1 નાની ચમચી ઈલાયચી પાવડર મિક્સ કરવો. એમાં ઝીણા સમારીને સૂકા મેવા ઉમેરી દેવા. પછી સ્વાદવર્ધન કરવા માટે દેશી ઘી ઉમેરીને ગૅસ બંધ કરી દેવો.
આ ખીરમાં ગોળનું પ્રમાણ તમારી ઈચ્છાનુસાર રાખી શકો છો. તો તૈયાર છે ખરનામાં ગ્રહણ કરવા માટેની સ્વાદિષ્ટ ખીર (Kharna Kheer Recipe)…જો તમે છઠનું વ્રત ન પણ કરતા હો તો આ ખીર બનાવીને ખાવી. એનો સ્વાદ તમને એક અલગ જ ફ્લેવર આપશે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં આ ખીર ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તમારા પરિવારને આ ખીર બનાવીને ખવડાવી શકો છો.
આ પણ વાંચો: વ્રતમાં 1 વાડકી આ રાજગરાની ફ્રુટ ખીર ખાઈ લો…દિવસભર થાક કે નબળાઈ નહિં લાગે! એનર્જીથી ભરપૂર રેસિપી…
આ પણ વાંચો: ગળ્યું અને હળવું ખાવાનું મન થાય તો બનાવો સોજીની ખીર…બાળકોને ખૂબ પસંદ પડશે…સરળ રેસિપી!
