Ahmedabad News: ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ ‘મહાદેવ ઓનલાઇન બુક એપ’ કેસમાં (Mahadev App Case) CBIએ ગુજરાત સહિત 6 રાજ્યોમાં મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં CBIએ 33 સ્થળોએ દરોડા (CBI Raid Gujarat) પાડ્યા હતા, જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટરોમાંના એક અને આરોપી સૌરભ ચંદ્રાકરને (Saurabh Chandrakar) ઓમાનથી ભારત લાવ્યા બાદ તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Mahadev App Case: 33 સ્થળોએ દરોડા, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત
CBIની તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ સટ્ટાબાજીની સક્રિય પેનલ્સ કાર્યરત મળી આવી હતી. આ પેનલ્સને બંધ કરાવવામાં આવી છે. દરોડા દરમિયાન મોબાઇલ ફોન, અન્ય ડિજિટલ ઉપકરણો અને મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા અથવા ભાડે લીધેલા બેંક ખાતાં એટલે કે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ અને હવાલા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. સટ્ટાબાજી દ્વારા એકત્ર કરાયેલા નાણાંની હેરફેર માટે આ વ્યવસ્થાનો ઉપયોગ થતો હોવાની આશંકા છે.
સૌરભ ચંદ્રાકરની પૂછપરછમાં નેટવર્ક અંગે માહિતી મળી
CBIએ સૌરભ ચંદ્રાકરને 1 નવેમ્બર, 2026ના રોજ ઓમાનથી ભારત લાવ્યો હતો. ત્યારબાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. રાયપુરની સ્પેશિયલ CBI કોર્ટે તેને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો.
પૂછપરછ દરમિયાન મહાદેવ એપનું સંચાલન કેવી રીતે થતું હતું અને ભારતમાં તેના પેનલ ઓપરેટરોનું નેટવર્ક કેવી રીતે ફેલાયેલું હતું તે અંગે માહિતી મેળવવામાં આવી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ પણ સૌરભને બતાવવામાં આવ્યા હતા. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં 12 નવેમ્બરે તેને રાયપુરની સ્પેશિયલ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે તેને 19 નવેમ્બર, 2026 સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
વિદેશથી ચાલતી હતી એપ, ભારતમાં પેનલ ઓપરેટરોનું નેટવર્ક
CBIના જણાવ્યા મુજબ, છત્તીસગઢ સરકાર પાસેથી કેસ મળ્યા બાદ મહાદેવ ઓનલાઇન બુક એપ મામલે બે FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ પ્લેટફોર્મનું મુખ્ય સંચાલન વિદેશમાં આવેલી હેડ ઓફિસમાંથી થતું હતું, જ્યારે ભારતમાં પેનલ ઓપરેટરોનું મોટું નેટવર્ક કાર્યરત હતું.
આ ઓપરેટરો ગ્રાહકોની ID સંભાળતા હતા અને સટ્ટાબાજી માટે નાણાં એકત્ર કરતા હતા. આ નાણાં અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા અથવા ભાડે લીધેલા બેંક ખાતાંમાં જમા કરાવવામાં આવતા હતા. ત્યારબાદ હવાલા મારફતે નફાની રકમ વિદેશ મોકલવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
સરકારી કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ
CBI હવે આ કેસમાં અન્ય આરોપીઓ, વિદેશમાં રહેતા લોકો અને સમગ્ર નેટવર્કને મદદ કરનારા વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, આ કામગીરીમાં કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ફરાર આરોપીઓને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
CBIએ લોકોને ઓનલાઇન સટ્ટાબાજી અને જુગારથી દૂર રહેવાની ચેતવણી આપી છે. પોતાની બેંક ખાતાની વિગતો, સિમ કાર્ડ અથવા ઓળખના દસ્તાવેજો અન્ય વ્યક્તિને ઉપયોગ માટે આપવા કે ભાડે આપવાથી કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ખાતાધારક સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
2017માં શરૂ કરી હતી સટ્ટાબાજીની વેબસાઇટ
આપવામાં આવેલી માહિતી મુજબ, સૌરભ ચંદ્રાકરે વર્ષ 2017માં રવિ ઉપ્પલ સાથે મળીને ઓનલાઇન સટ્ટાબાજી માટે વેબસાઇટ શરૂ કરી હતી. શરૂઆતમાં આ વેબસાઇટ પર ઓછા યુઝર્સ હતા અને કમાણી પણ મર્યાદિત હતી. વર્ષ 2019માં સૌરભ નોકરી માટે દુબઈ ગયો હતો. થોડા સમય બાદ તેણે રવિ ઉપ્પલને પણ દુબઈ બોલાવ્યો હતો.
ત્યારબાદ બંનેએ ‘મહાદેવ બુક ઓનલાઇન’ નામથી બેટિંગ (Mahadev Betting App) વેબસાઇટ અને એપ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
4 હજાર પેનલ ઓપરેટરોનું નેટવર્ક ઊભું કર્યાનો દાવો
મહાદેવ એપનો વેપાર વધારવા માટે સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ઇન્ફ્લુએન્સર્સ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટ્સ ખરીદીને નેટવર્ક વિસ્તારવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે દેશમાં આશરે 4 હજાર પેનલ ઓપરેટરોનું નેટવર્ક ઊભું કર્યું હતું. દરેક પેનલ ઓપરેટર પાસે આશરે 200 ગ્રાહકો હોવાનો દાવો કરવામાં આવે છે. આ નેટવર્ક દ્વારા બંને રોજના આશરે રૂ.200 કરોડની કમાણી કરતા હોવાનો પણ દાવો છે. આ નાણાંના આધારે UAEમાં મોટું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે.
આ પણ વાંચો: સુરતમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ, 10 આરોપીઓની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં ઇડી ત્રાટકી, મોટાપાયા પર બેનામી વ્યવહારોની શંકા
