Vadodara News: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ સર્જ્યો છે. પાંચ વર્ષની નિર્દોષ બાળકીનું અપહરણ (Girl Kidnap Case) થયા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલેલી શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
Girl Kidnap Case:અપહરણ બાદ કેનાલમાંથી મળ્યો મૃતદેહ
પ્રાપ્ત વિગતો મુજબ, સતીષાણા ગામમાં રહેતા શ્રમિક પરિવારની પાંચ વર્ષની દીકરી 14 જૂનની રાત્રે પોતાના ઘરના ઓટલા પર ખાટલામાં સૂતી હતી. રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકીને લલચાવી અથવા અન્ય કોઈ રીતે પોતાના કબજામાં લઈ અપહરણ (Girl Kidnap Case) કર્યું હોવાનું માનવામાં આવે છે. સવારે બાળકી ગુમ હોવાનું જાણવા મળતા પરિવારજનો અને ગામલોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ હતી. ડોગ સ્ક્વોડની મદદથી પણ બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બુધવારે વણીયાદ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડીયા (ઉંમર 26 વર્ષ)ને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બાળકી સાથે કોઈ પ્રકારની છેડછાડ થઈ હતી કે નહીં અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થઈ હોય તેવી કામગીરી, દાહોદ બાળકી હત્યા કેસમાં માત્ર 12 દિવસમાં ચાર્જશીટ
આ પણ વાંચો:દાહોદમાં બાળકી હત્યા કેસના આરોપી આચાર્યનું ભાજપ સાથે છે કનેક્શન: કોંગ્રેસ
આ પણ વાંચો:મહારાષ્ટ્રના પૂણેમાં બાળકી સાથે વૃધ્ધે દુષ્કર્મ કરી હત્યા કરી
