શનિવારના દિવસે એક માલસામાન ભરેલી ટ્રક હાઇવે પરની ટોલ બુથ પર અથડાઇ હતી અને અન્ય છ વાહનોને પણ ટક્કર મારી હતી જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 19 લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મેક્સિકોની ફેડરલ રોડ્સ એન્ડ બ્રિજીસ એન્ડ રિલેટેડ સર્વિસ એજન્સીએ એક નિવેદન જારી કર્યું હતું કે શેમ્પૂ બનાવવા માટે વપરાતા કમ્પાઉન્ડને લઈ જતી ટ્રકની બ્રેક તૂટી ગઈ હતી, જેના કારણે તે ટોલ બૂથ અને અન્ય વાહનો સાથે અથડાઈ હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ઘટનાના કેટલાક વીડિયોમાં ટક્કર બાદ વાહનોમાં આગ લાગી હતી અને કેટલાક વાહનો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ક્રોએશિયામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં હાઇવે પર બસ ક્રેશ થતાં 10 મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 45 અન્ય લોકો ઘાયલ થયા હતા (ક્રોએશિયામાં અકસ્માત). પોલીસે જણાવ્યું હતું કે રાજધાની ઝાગ્રેબ અને સર્બિયન સરહદને જોડતા હાઇવે પર સ્લેવોન્સકી બ્રોડ શહેરની નજીક સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. ઘટનાસ્થળના ફોટામાં બસની આસપાસ અગ્નિશામક અને બચાવ કાર્યકરો દેખાય છે જ્યારે ટ્રાફિક બંધ હતો.
