સરકાર અને સત્તાધારી પક્ષ ભલે ઉજવલા ગેસ કનેક્શન અંગે ગમે તેવો જશ ખાટતા હોય, અમે આટલા મહિલાઓને ગેસ કનેક્શન આપ્યા આ આંકડો સત્તાવાર વર્તૂળોના કહેવા પ્રમાણે ૯ કરોડ આસપાસ પહોંચી જાય છે. પરંતુ આ અંગે રાજ્યવાર અને જિલ્લાવાર તપાસ કરવામાં આવે તો એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, ઉજવલા યોજનાનો લાભ લેનાર પૈકી ૭૦ ટકાથી વધુ કનેક્શન ધારકો ગેસનો બાટલો બીજીવાર ભરાવવા આવતા નથી. મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાની જે વિગતો બહાર આવી છે તે પ્રમાણે બે લાખ છોતેર હજાર લોકો પાસે ગેસ કનેક્શન છે જેમાં એક લાખ ત્રીસ હજાર ગેસ કનેક્શન ઉજવલા યોજના હેઠળ અપાયા છે. સત્તાવાળાઓ એમ કહે છે ૭૭ ટકા લાભાર્થીઓને ઉજવલાના હેઠળ ગેસ કનેક્શન અપાઈ ચૂક્યા છે. જ્યારે મધ્યપ્રદેશની અખબારોમાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે ૪૦ ટકા કરતાં વધુ કનેક્શન ધારકોએ આવા ગેસ કનેક્શન પરત આપ્યા છે. દેશભરમાં નવ કરોડ પરિવારોને મફત ગેસ કનેક્શન અપાયા છે મધ્યપ્રદેશમાં ચુમોતર લાખ લોકોને આવા ગેસ કનેક્શન અપાઈ ચૂક્યા છે. આપણા ગુજરાતમાં પણ ત્રીસ લાખથી વધુ લોકોને ઉજવલા હેઠળ ગેસ કનેક્શન અપાયો હોવાનો દાવો થાય છે. કદાચ આ દાવો સાચો પણ હોઈ શકે.

જેમ મધ્યપ્રદેશમાં કેટલાક પરિવારોએ ગેસ કનેક્શન પાછા જમા કરાવી દીધા તેવું ગુજરાતમાં પણ બની શકે છે ભલે સત્તાવાળાઓ મૌન સેવતા હોય.
મધ્યપ્રદેશમાં ઘણા પરિવારોએ પોતાના ગેસ કનેકશનના ખાલી સિલિન્ડર ભંગારમાં આપી દીધા છે જ્યારે ઘણા પરિવારો એવા છે કે, જેના ઘરમાં ગેસનો ચૂલો અને ગેસ સિલિન્ડર રેગ્યુલેટર વિગેરે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. જબલપુર વિદીશા, ભીડ બધે આ હાલત છે મધ્ય પ્રદેશના ઘણા પરિવારો ઉજવલાના લાભાર્થી હોવા છતાં ઘરમાં લાકડા સળગાવે છે તો કેટલા તો છાણા વાપરે છે કેટલાક એટલે કે, થોડા સધ્ધર લોકો કોલસા કે કેરોસીન વાળો સ્ટવ પણ વાપરે છે. આ અંગે ઘણા પરિવારો વ્યથા વ્યક્ત કરે છે કે અમારા ઘરની આવક મર્યાદિત છે. ૪-૪ સંતાનો છે વૃધ્ધ મા-બાપ છે. બજારમાં ખરીદવા જાવ ત્યારે કોઈ ચીજ સસ્તી મળતી નથી. મોંઘવારીનાં કારણે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત છે. છોકરાઓના શિક્ષણનો અને કુટુંબનું ભરણપોષણ માંડ થાય છે અને ઘરમાં એકા’દ માંદગી આવે તો દેવું કરવાનો વારો આવે છે. બીપીએલ કાર્ડ ધારકો પૈકીના ઘણાને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે પણ આ પૈકી મધ્યપ્રદેશના ઘણા ગેસ વિતરકો સ્વીકારે છે તે પ્રમાણે ઉજવલા યોજના હેઠળ ગેસ કનેકશનો લઈ ગયા પછી બીજીવાર ભરાવવા આવતા નથી એટલે કે, ખાલી બાટલો પરત આપીને ભરેલો બાટલો લઈ જતાં નથી. આનું કારણ સ્પષ્ટ છે કે કોઈપણ કંપનીનું ગેસ સિલિન્ડર તમે ખરીદો તો તેના ભાવ રૂ. .૯૨૫ આસપાસ છે. ૪ થી ૮ માણસોનું કુટુંબ હોય તો દોઢ મહિને (ઓછામાં ઓછા) એક ગેસ સિલિન્ડરની જરૂર પડવાની જ છે. એટલે કે ત્રણ માસમાં બે ગેસ સિલિન્ડર વપરાવાના હવે આ બે ગેસ સિલિન્ડરની કિંમત રૂ. ૧૮૫૦થી વધુ થાય. મહિને રૂ. ૧૦થી ૧૫ હજારની આવક ધરાવતો પરિવાર કેવી રીતે પોતાના ઘરની જરૂરિયાતો પૂરી કરે કે ગેસ સિલિન્ડર પાછળ રૂ.૧૮૫૦ ખર્ચે એમ તો જેતે સરકારના દાવા પ્રમાણે વાર્ષિક ૭૨ કે ૯૦ હજાર કે સવાલાખની આવક ધરાવનારાઓને મફત ગેસ કનેક્શન આપ્યા છે. પરંતુ આ પરિવારો સરેરાશ ૯૨૫થી વધુ કિંમતના ગેસના બાટલાની ખરીદી કઈ રીતે કરી શકવાના હતા?
![]()
આ અંગે જાણકારો કહે છે કે, ઉજવલા યોજના અંગે ભલે ગમે તેવા દાવા થતાં હોય પરંતુ આ યોજનાના તમામ લાભાર્થીઓ લાંબા સમય સુધી આ ગેસનો વપરાશ કરી શકે તેવી કોઈ યોજના બનાવી છે ખરી? ૨૦૧૩માં ગેસ સિલિન્ડર રૂ ૩૫૦થી ૪૦૦ વચ્ચે મળતું હતું અને કોઈને કાળા બજારમાં લેવું હોય તોય તેની કિંમત ૫૦૦થી વધારે નહોતી. જે વાત ઘણા રાજ્યોના સત્તાવાળાઓ પણ સ્વીકારે છે. હવે અત્યારે ૧૫ લિટર કે ૧૫ કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ૯૨૫ કરતાં વધુ છે. ટૂંકમાં સાત વર્ષમાં આ આવક બમણી થઈ ગઈ છે. આમાં મોટાભાગના પરિવારોને આવું મોંઘુદાટ ગેસ સિલિન્ડર ખરીદવાનું પોસાતું નથી. આ અંગે જાણકારો કહે છે કે, જો ગેસ સિલિન્ડરના ભાવ આજ રીતે વધતા રહેશે તો પછી ઉજવલા યોજના હેઠળ મળેલા ગેસના સિલિન્ડર શોભાના ગાંઠિયા જેવા બની જશે. આ તો મધ્યપ્રદેશની આ વાત બહાર આવી એટલે ખબર પડી બાકી અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારની હાલત છે તે હકિકતની કોઈ ના પાડી શકે તેમ નથી. સરકારે ઉજવલા યોજના હેઠળના ગેસ ધારકોને નિયમિત ગેસ પૂરાવી આપવાની જવાબદારી કેમ સરકારે સ્વીકારી નથી? જો આમ જ ચાલ્યું તો ઉજવલાં યોજના એક ફારસ બની જશે તે પણ નિશ્ર્ચિત છે.
