વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, ક્રિપ્ટોકરન્સી અને સંબંધિત મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં યુવાનોને ખોટા વચનો આપીને અને પૈસાની લાલચ આપીને ગેરમાર્ગે દોરવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર ક્રિપ્ટોકરન્સી અંગે નિષ્ણાતો અને હિતધારકો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખશે.
પીએમ મોદીની આગેવાની હેઠળની આ બેઠકમાં એ વાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી કે ફ્લોટિંગ ક્રિપ્ટો માર્કેટને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગનું હથિયાર બનવા દેવામાં આવશે નહીં. આ દિશામાં વધુ સારા પ્રયાસો કરવા માટે નક્કર વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. ક્રિપ્ટો કરન્સીના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરતા સરકારે તેની સાથે વ્યવહાર કરવા માટેના ઉપાયો અંગે પણ ચર્ચા કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મીટિંગમાં આકર્ષક જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોને રોકવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોએ કહ્યું, “સરકાર એ હકીકતથી વાકેફ છે કે તે એક અદ્યતન ટેક્નોલોજી છે, તેથી તેની નજીકથી દેખરેખ રાખવામાં આવશે અને સક્રિય પગલાં લેવામાં આવશે. સરકાર દ્વારા આ ક્ષેત્રમાં લેવાયેલા પગલાં પ્રગતિશીલ અને દૂરંદેશી હશે તે અંગે પણ સહમતિ સધાઈ હતી.
આ મહત્વપૂર્ણ બેઠક એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસે તાજેતરમાં કરોડો રૂપિયાના બિટકોઈન કૌભાંડ અને કર્ણાટકની ભાજપ સરકાર પર તેને છુપાવવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
