છબરડો/ લો હવે ગુજરાતના પ્રવાસન વિભાગે શાહમૃગને ગીરનું વતની બતાવ્યું..

ગુજરાતનાં પ્રવાસન નિગમનાં એમડી જેનુ દેવને કહ્યું હતું કે, ભવિષ્યમાં આ મામલે સાવચેતી રાખવામાં આવશે. વન, પ્રવાસન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે

Top Stories Gujarat

ગુજરાત પ્રવાસન વિભાગે પ્રચાર માટે બનાવેલા વિડીયોમાં શાહમૃગને ગીરનું વતની બતાવીને પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યું છે. પ્રવાસન વિભાગે જારી કરેલા પ્રચાર વીડિયોમાં, કેટલાક પાંખ વિનાના આફ્રિકન પક્ષીઓ એશિયાટિક સિંહોના ગઢમાં સ્નેક્સ પર ચાંચ મારતાં જોવા મળે છે.

એટલુ જ નહીં અન્ય એક વિડિયોમાં વરુને રડતો બતાવામાં આવ્યો છે પરંતુ તેની ફોટો શિયાળની છે. આવાતી અનેક ભૂલો પ્રવાસન વિભાગે કરી છે જેના કારણે વન્યપ્રાણી નિષ્ણાતો અને પ્રાણીઓને પ્રેમ કરતા લોકોમાં ગુસ્સો છે. પરંતુ પ્રવાસન વિભાગ એવો બચાવ કરે છે કે વિડીયો જૂના છે અને પાછા ખેંચી લેવામાં આવ્યા છે.  બીજી બાજુ વન્યપ્રાણી નિષ્ણાતો જણાવે છે કે વિડીયોની પંચલાઇન “કમ બેક ટુ લાઇફ” એટલે કે “જીવન તરફ પાછા વળો” છે. જે કોવિડના રોગચાળા બાદની સ્થિતિમાં લોકોને પ્રવાસન માટે આમંત્રણ આપતી હોય તેવી છે. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના ભૂતપૂર્વ સભ્ય ભૂષણ પંડયાએ જણાવ્યું હતું કે પ્રવાસન વિભાગની જાહેરાતની ક્લિપ્સ વાયરલ થઈ છે. આ વીડિયો ભારતભરમાં વન્યપ્રાણી નિષ્ણાતોના ગ્રુપ વાયરલ થઇ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આવી ભૂલો ખરેખર શરમજનક છે.

ગુજરાત સરકારના પ્રવાસન સચિવ હરીત શુક્લાએ જણાવ્યું હતું કે, “આ જૂની જાહેરાત છે અને ભૂલની જાણ થયા બાદ વિભાગ દ્વારા તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. ગુજરાતનાં પ્રવાસન નિગમનાં એમડી જેનુ દેવને કહ્યું હતું કે, ભવિષ્યમાં આ મામલે સાવચેતી રાખવામાં આવશે. વન, પ્રવાસન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે. પરંતુ આવી ભૂલો પ્રથમ વાર નથી થઇ તેની પણ જાણકારી પ્રવાસન વિભાગને છે.

ભૂતકાળમાં પ્રવાસન વિભાગે તેનાં લોગો પર રાજ્યના ગૌરવ તરીકે આફ્રિકન સિંહને દર્શાવ્યા હતા. વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પ્રવાસન વિભાગે આવા જ છબરડાં સાથે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું હતું. તેઓ ગુજરાતના જંગલમાં શાહમૃગ કેવી રીતે બતાવી શકે અને તે પણ ગીરમાં? તેઓ વન વિભાગને લૂપમાં રાખ્યા વિના જાહેરાતો કરતા હોય તેવું લાગે છે તેમ અધિકારીએ કહ્યું હતુ.

ગીરના એક વરિષ્ઠ અધિકારીએ આ વિડીયો વિશે કહ્યું કે એવું લાગે છે કે વિડીયોની સામગ્રી આડેધડ રીતે ઓનલાઇન મેળવવામાં આવે છે. જે એ પણ દર્શાવે છે કે વન અને પ્રવાસન વિભાગ વચ્ચે કોઈ સંકલન નથી. ગીર અભયારણ્યમાં શાહમૃગ નથી. અધિકારીએ ઉમેર્યું હતું કે,વીડિયો બનાવનાર વ્યક્તિએ ધાર્યું હશે કે શાહમૃગનું લેન્ડસ્કેપ ગીરનું હતું.અધિકારીએ વધુમાં જણાવ્યું કે હું ગાંધીનગરમાં હતો ત્યારે મેં પ્રવાસન વિભાગના અધિકારીઓને તેમના દ્વારા હાથ ધરાતાં અભિયાનોના તથ્યોની ચકાસણી કરાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પ્રચાર સામગ્રી પહેલા વન વિભાગનાં ધ્યાન પર મુકાઇ હોત તો આવી ભૂલ થતી અટકાવી શકાઇ હોત.

હવે આશા રાખીએ કે વારંવાર ભૂલો કર્યા પછી આ વખતની ભૂલ પછી ગુજરાતનું પ્રવાસન વિભાગ કોઇ બોધ મેળવે અને આવનારા ભવિષ્યમાં કોઇ ચૂક કર્યા વગર સાચી માહિતીથી લોકોને માહિતગાર કરે.