ગુજરાત/ સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં રોગચાળો વકર્યો ,ઘેર ઘેર માંદગીના ખાટલા

ડેન્ગ્યુ- ચિકનગુનીયા-તાવ, ઝાડા -ઉલ્ટી સહિતના રોગચાળાના વધતા જતા કેસો ચિંતાજનક ….

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં રોગચાળો વકર્યો છે. ડેંગ્યુ, ચિકનગુનીયા સહિતનાં કેસો વધવા લાગ્યા છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવાયેલા પાટડીમાં તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માઝા મુકતા ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. પાટડીમાં 50થી વધુ તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયાના કેસોથી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. બીજી બાજુ પાટડી નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર ટાણે જ સમગ્ર પાટડી નગરમાં દવા છંટકાવની કામગીરી હાથ ધરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા પાટડીને તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇ રીસ્ક ઝોનમાં સમાવેશ કરેલો છે. એવામાં પાટડીમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ બાદ ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયા સહિત પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. જેમાં સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. અને પાટડીના ઝુંપડપટ્ટી અને નીંચાણવાળા વિસ્તારમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા છે.પાટડી સરકારી હોસ્પિટલમાં પાછલા કેટલાક દિવસોથી ઓપીડી કેસની સંખ્યા બમણી થવા પામી છે.

પાટડીમાં તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયાના 50થી વધુ કેસોથી નગરજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જેમાં લોકોના હાથ-પગ જકડાઇ જવાની સાથે લોકો તાવના લીધે પથારીમાંથી ઉભા પણ થઇ શકતા નથી. આથી આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પાટડી નગરમાં ઘેર-ઘેર સર્વે અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. જ્યારે પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ અને ચીફ ઓફિસર મોસમભાઇ પટેલ દ્વારા તાકીદે નગરપાલિકાના કર્મચારીઓની મીટીંગ બોલાવી સમગ્ર પાટડી નગરમાં દવા છંટકાવની કામગીરી હાથ ધરાતા પાટડી નગરજનોએ રાહતનો દમ લીધો હતો.

ઉપરાંત વઢવાણ તાલુકામાં રોગચાળાએ અજગરી ભરડો લેતા ગ્રામજનો પરેશાન છે. જ્યારે ખુદ તાલુકા પંચયતના ભાજપના સદસ્યે રોગચાળો ડામવા પગલા લેવાની લેખિત માગ કરી હતી. જેમાં દવા છંટકાવ, આરોગ્ય તપાસ, દવા ઝડપી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.વઢવાણ પંથકમાં દિવાળી બાદ નવા વર્ષમાં કોરોનાના ભય વચ્ચે રોગચાળો વકર્યો છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામ, મઢાદ, વાઘેલા, વસ્તડી, ખારવા, ટીંબા વગેરે ગામોમાં ડેન્ગયુ અને ચિકનગુનિયાએ દેખા દીધી છે. આ અંગે વઢવાણ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય નટુભાઇ ભડાણીયાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર પાઠવ્યો હતો.

મુળી તાલુકાનાં સરા ગામે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગામમાં ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. તંત્ર દ્વારા આ બાબતે વહેલીતકે ગામમાં જંતુનાશક દવા છંટકાવ અને ફોગીંગ કરવા માંગ ઉઠી છે. આ અંગેની વધુ વિગત એવી છે કે, મુળી તાલુકામાં આવેલા સરા ગામે શિયાળાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ગામમાં શરદી, ઉધરસ, તાવની સાથે ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના કેસ જોવા મળ્યા છે.

વાહકજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ગામના દેરાસર શેરી, જુની પોસ્ટ ઓફીસ શેરીમાં બે થી ત્રણ ડેંગ્યુના અને ચિકનગુનીયાના કેસ મળી આવેલ છે. દર્દીઓના ઘરની આજુબાજુના રહેણાંક મકાનોમાં દવા છંટકાવ અને ફોગીંગની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. જોકે તંત્ર પાસે ફોગીંગ મશીન બંધ હાલતમાં હોવાનું જાણવા મળેલ છે. આ મશીન વહેલી તકે ચાલુ કરાવી ગામમાં ફોગીંગ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. નહીં તો આવનારા દિવસોમાં ગામમાં વાહકજન્ય રોગના દર્દીઓનું પ્રમાણ વધવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.