રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. વિશ્વના ઘણા દેશો રશિયા સામે એક થઈને ઉભા છે. આ દરમિયાન રશિયાને પણ મોટો આંચકો લાગ્યો છે. યુઇએફએ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ, જે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાવાની હતી, તેને હવે ત્યાંથી હટાવી દેવામાં આવી છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. UEFAએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જે શુક્રવારે યોજાશે. આ બેઠકમાં ચેમ્પિયન્સ લીગની ફાઈનલને સેન્ટ પીટર્સબર્ગની બહાર સત્તાવાર રીતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવશે.
UEFA દ્વારા જણાવવામાં આવ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને UEFA પ્રમુખે એક ઈમરજન્સી મીટિંગ બોલાવી છે, જે શુક્રવારે 10.00 CET પર યોજાશે. આ બેઠકમાં ભવિષ્યના નિર્ણયો લેવામાં આવશે, તે બેઠક બાદ જ જાહેર કરવામાં આવશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધની ઘોષણા કર્યા બાદ જ ફૂટબોલ જગતમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. ઘણા દેશો, ફૂટબોલ સંગઠનોએ પહેલેથી જ વાંધો ઉઠાવ્યો હતો અને ચેમ્પિયન્સ લીગની ફાઈનલને રશિયાની બહાર ખસેડવાની માંગ કરી હતી.
આ ફાઈનલ મે 2022માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ મેદાનમાં યોજાવાની હતી. માત્ર ચેમ્પિયન્સ લીગની ફાઈનલ જ નહીં પરંતુ રશિયા અને પોલેન્ડ વચ્ચે માર્ચમાં ફૂટબોલ મેચ છે જ્યારે સ્કોટલેન્ડની યુક્રેન સાથે ફૂટબોલ મેચ છે. આને પણ રદ્દ કરવાનો નિર્ણય શુક્રવારની બેઠકમાં લેવામાં આવી શકે છે.
