યુરોપિયન યુનિયને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. EU એ પુતિનની યુરોપમાં સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. યુરોપિયન યુનિયન યુક્રેન પર રશિયાની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યું છે. પુતિનની સંપત્તિ કેટલી છે, તે રહસ્ય છે. સત્તાવાર રીતે તેમની પાસે ભાગ્યે જ કોઈ સંપત્તિ છે. તેની વાર્ષિક આવક લગભગ 10 મિલિયન રુબેલ્સ ($120,850) છે અને તેની પાસે ત્રણ કાર અને એક એપાર્ટમેન્ટ છે.
ઉલ્લખનીય છે કે રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કરીને યુદ્ધની જાહેરાત કરી હતી. આજે યુદ્ધનો બીજો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવમાં ઘૂસી ગઈ છે. ખરાબ રીતે ઘેરાયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને મંત્રણા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને રશિયન રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધો હતો.
આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે એકવાર યુક્રેનની સેના આત્મસમર્પણ કરી દે તો અમે વાતચીત માટે તૈયાર છીએ. તે જ સમયે, તેમણે કહ્યું કે રશિયા યુક્રેનને “અત્યાચારથી” મુક્ત કરવા માંગે છે જેથી કરીને યુક્રેનના લોકો તેમનું ભવિષ્ય નક્કી કરી શકે.
રશિયાની રાજધાની મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું કે આવા સંજોગોમાં રશિયા ચૂપ રહી શકે નહીં. યુક્રેનની સરકારને લોકતાંત્રિક સરકાર ગણવાની અમને અત્યારે કોઈ તક દેખાતી નથી.
બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે તેણે 1000થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે અત્યાર સુધીમાં 1000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. રશિયન સેનાએ દાવો કર્યો છે કે તેઓએ મુખ્ય એરપોર્ટ પર કબજો કરી લીધો છે, ત્યારબાદ કિવ પશ્ચિમથી કપાઈ ગયું છે.
