રાજ્યમાં ગાંધીનગર મુકામે વંસતોત્સવમાં લોક નૃત્યો સહિત અને વિવિધ સંસકૃતિનો લોક વારસો રજૂ કરવામાં આવશે,આ વર્ષે 14 થી 23 માર્ચ સુધી ગાંધીનગરમાં યોજાનાર વસંતોત્સવમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર ખાસ ઉપસ્થિત રહેશે. વર્ષ 1996થી ગાંધીનગરનાં સંસ્કૃતિ કુંજ ખાતે યોજવામાં આવતો સાંસ્કૃતિક લોકઉત્સવ છે, જેમાં દેશનાં અને રાજ્યનાં વિવિધ જાણીતા લોકનૃત્યો રજુ કરવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતની લુપ્ત થઈ રહેલી નટ-બજાણીયા, બહુરૂપી જેવી લોકકળા કલા તેમજ ઉત્તર ગુજરાતનાં વિવિધ લોકનૃત્યો અને લુપ્ત થઈ રહેલા વાદ્યો દ્વારા સંગીત રજુ કરવામાં આવશે. આ વર્ષે વસંતોત્સવ-2022માં દેશનાં 10 રાજ્યો દ્વારા વિવિધ સાંસ્કૃતિક જાણીતા લોકનૃત્યો રજૂ કરવામાં આવશે, જેમાં પ્રથમ પાંચ દિવસ રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, જમ્મુ અને કાશ્મીર રાજ્ય દ્વારા તેમજ દ્વિતિય પાંચ દિવસ પંજાબ, સિક્કિમ, આસામ, પશ્ચિમ બંગાળ અને મણીપુર રાજ્ય દ્વારા અલગ-અલગ જાણીતા પ્રાદેશિક નૃત્યોની પ્રસ્તૃતિ કરવામાં આવશે.
રાજ્યનાં જાણીતા શાસ્ત્રીય નૃત્યનાં કલાકારો અને વૃંદ દ્વારા ગણેશ વંદના, વિવિધ પ્રસિધ્ધ ગૃપ દ્વારા પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ, રાજ્ય સરકાર દ્વારા આયોજીત થતી નવરાત્રિ સ્પર્ધામાં પ્રાચિન, અર્વાચિન ગરબા અને રાસની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર વૃંદ દ્વારા પ્રસ્તુતિ તથા તૂરી-બારોટ સમાજના મંડળો દ્વારા વિવિધ વિસરાતા લોકનૃત્યોની પ્રસ્તુતિ અને આદિજાતી ગૃપ દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ ઉપરાંત દરરોજ ગુજરાતી લોકસંગીતના રત્નો સમાન ગુજરાતના સુવિખ્યાત ગાયક કલાકારો દ્વારા લોકગીત રજૂ કરવામાં આવશે. જેમાં તા.14મી માર્ચના રોજ વસંતોત્સવનાં પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ગુજરાતી લોકસંગીતનાં ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર દ્વારા લોકગીતોની રમઝટ બોલાવવામાં આવશે.
સંસ્કૃતિ કુંજ ખાતે દેશી હાટની શૈલીમાં ઉભા કરાયેલા સ્ટોલમાં હસ્તકલાનાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક ચીજ વસ્તુઓનુ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવનાર હોય પાટનગરની જનતા પોતાની રૂચી પ્રમાણે વિસરાતી કલાત્મક વસ્તુઓની ખરીદી પણ કરી શકશે અને ખાણીપીણી બજારમાં ગુજરાતની અવનવી વિવિધ પ્રાંતની વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે
