અમદાવાદ,
જયંતી ભાનુશાળીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાન નરોડા લાવવામાં આવ્યો હતો. અંતિમયાત્રાના દર્શન કરવા ભાજપના નેતા સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પાર્થિવ દેહને નરોડાના સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. જયંતી ભાનુશાળીના પુત્રી પણ સ્મશાનગૃહે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નળા મુક્તિધામમાં જયંતી ભાનુશાળીના પાર્થિવ દેહને અગ્નિદાહ આપીને પંચ મહાભૂતોમાં વિલિન કરવામાં આવ્યો.

જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે અમદાવાદના મેયર બીજલ પટેલ પણ ભાનુશાળીના ઘરે પહોંચ્યા હતાં. અન્ય રાજકીય નેતાઓમાં વાસણ આહીર, અબડાસાના પૂર્વ એમએલએ તારાચંદ છેડા, એમએલએ જગદીશ પંચાલ, રમણલાલ વોરા પણ પહોંચ્યા હતાં.

ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ આ દરમિયાન કહ્યું કે જયંતિભાઈ હાર્યા કે જીત્યા પાર્ટીના કર્મસિષ્ઠ વ્યક્તિ હતાં. તેમના આત્માને શાંતિ મળે. સીએમની સૂચના મુજબ હું અને આર સી ફળદુ અહીં આવ્યાં, પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના આપી.
પોલીસે શરૂ કરેલી તપાસમાં ચોપડવા પાસે દ્યોગિક એકમ ધરાવતા ઉદ્યોગપતિ પવન મોર ગાંધીધામથી ટ્રેનમાં ચડયા હતા અને તેઓ જયંતીભાઈ સાથે બેઠા હતા, જેમાં રાત્રિના અરસામાં બે ઇસમોએ એસી ફર્સ્ટ ક્લાસનો દરવાજો ખોલી જયંતીભાઈ પર ફાયરિંગ કર્યું હતું. જેથી તેમને આંખ અને છાતીમાં ગોળી વાગતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પોલીસે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. ભાનુશાળીના પરિવારજનોએ કચ્છના નેતા છબિલ પટેલ, મનીષા ગોસ્વામી, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ભાનુશાળીના પરિવારજનોના ગંભીર આક્ષેપ
સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
હત્યામાં છબીલ પટેલનો હાથ?
જયંતિ ભાનુશાળીના ભાઈ શુંભુ ભાનુશાળીએ ગંભીર આક્ષેપ કરતા છબીલ પટેલનું નામ લીધુ છે. તેમને છબીલ પટેલ સહિત 4થી 5 લોકો પર હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ભાનુશાળીના પરિવારજનો તેમજ તેમની પત્નીએ છબીલ પટેલે હત્યા કરાવી હોવાનો આરોપ મૂક્યો છે.
જયંતિ ભાનુશાળીના પત્નીએ કહ્યું કે,’છબિલ પટેલે અગાઉ પણ મારા પતિ પર આક્ષેપો કર્યા હતા, મારા પતિની હત્યા કરાવી તે વિદેશ જતો રહ્યો છે, સોપારી આપીને છબીલ પટેલે જ હત્યા કરાવી છે’.
જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે, મારા ભાઈ જયંતિ ભાનુશાળીની રાજકીય હત્યા કરવામાં આવી છે. પહેલો ભાઈ (છબિલ પટેલ) પહેલાથી જ કહેતો હતો. તેણે મારા ભાઈને પહેલા બે વખત છોકરીઓને કેસમાં ફસાવ્યો છે.
એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરાં કર્યા હતા. તે કહેતો હતો કે હું રાજકારણમાંથી જયંતિ ભાનુશાશીનો ‘ર’ જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરિતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિંગ કરશે તેવો અમને ડર છે. કારણ કે તે કહી ચુક્યો છે કે હું મૂકીશ નહીં.
