ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHSEB) સોમવાર, જૂન 6 ના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. SSC પરિણામ 2022 સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ 10મા ધોરણનું પરિણામ સત્તાવાર વેબસાઇટ gseb.org દ્વારા જોઈ શકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના 10મા અને સંસ્કૃતનું પરિણામ 6 જૂને આવશે.”
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ધોરણ 10 નું કુલ પરિણામ 65.18 % આવ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પાટણ જિલ્લાનું આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,81,702 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા , જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવે છે . જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા . તે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે . આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે . તેઓનું પરિણામ 17.04 ટકા આવેલ છે .

જણાવી દઈએ કે SSC ધોરણ 10 ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ, 2022 દરમિયાન લેવામાં આવી હતી. જેમાં લગભગ 10 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. SSC પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષે 14.03 લાખથી ઘટીને 9.72 લાખ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ રોલ નંબરનો ઉપયોગ કરીને SSC ધોરણ 10મી પરીક્ષાનું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે
પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવાની જરૂર છે. ઉમેદવારોએ તમામ વિષયોમાં ઓછામાં ઓછો ગ્રેડ ‘ડી’ મેળવેલ હોવો જોઈએ. કોઈપણ વિષયમાં ‘E1’ અથવા ‘E2’ ગ્રેડ મેળવનાર ઉમેદવારોને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા દ્વારા તેમનું પ્રદર્શન સુધારવાની તક મળશે.
ગત વર્ષે આટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા
ગયા વર્ષે, ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષામાં પાસની ટકાવારી 100 ટકા હતી કારણ કે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવી હતી. તાજેતરમાં બોર્ડે ધોરણ 12 ની HSC સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જેમાં કુલ 86.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
