Gandhinagar News/ ઘેડ વિસ્તારના વિકાસ માટે મહત્વનો નિર્ણય

Ghed Areaના પાણી નિકાલના અભ્યાસ માટે કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે

Gujarat Gandhinagar
ઘેડ વિસ્તાર(Ghed Area)માં દરિયાના પાણીથી જમીન વઘુ પ્રમાણમાં ખારી બનતી જાય છે

Gandhinagar News : ખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર(Ghed Area)માં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા કુલ રૂ. 1423.4 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના 6 તાલુકાના ગામ તેમજ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ – 1 ના 17 અને ફેઝ –2 ના 12 કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેકટ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ઘેડ વિસ્તાર(Ghed Area)માં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોરબંદરના ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ આ વિસ્તારના ધારાસભ્યો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને આગામી સમયમાં સફળતા મળશે.

રાજ્યમાં  ઘેડ વિસ્તાર(Ghed Area)ના પાણી નિકાલના અભ્યાસ માટે કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે ગત જાન્યુઆરી- 2025માં રૂ. 1184.18 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 350.01 કરોડ એમ કુલ અંદાજીત રૂ. 1534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે તેમ મંત્રીએ કહ્યું હતું.

મંત્રીએ કામોની સ્થિતિ અંગે કહ્યું હતું કે, ઘેડ વિસ્તાર(Ghed Area)ની સમસ્યાના નિવારણ માટે ત્રણ તબક્કામાં એટલે કે ફેઝ 1, 2અને 3 માં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ- 1ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-2025ના રોજ કુલ અંદાજીત રકમ રૂ. 139.02 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું, પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે.

મંત્રી શ્રી ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ ફેઝ-1 ના કામો પૈકી જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તાર(Ghed Area)માં કુલ-3 કામ, પોરબંદર જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કૂલ-7 કામ અને બરડા ઘેડ વિસ્તારમાં કૂલ-7 કામ મળીને કૂલ-17 કામો જેમાં નદી/વોંકળા/કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી ચોમાસા-2026 પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે.

મંત્રીએ ફેઝ-2ના કામોના આયોજન અંગે જણાવ્યું હતું કે,સોરઠી અને બરડા ઘેડ વિસ્તાર(Ghed Area) વરસાદી પાણીના નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ 2ના કામો માટે કન્સલટન્ટ દ્વારા કરેલ રીપોર્ટને આઇઆઇટી, ગાંધીનગર પાસે રીવ્યુ કરાવી રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે રૂ. 1118.54 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 304.86 કરોડ એમ કુલ અંદાજીત રૂ.1423.4 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

જેમાં નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, નદી, કેનાલ, વોંકળાના ડિસિલ્ટીંગ, જંગલ કટીંગ, બંધ વોંકળાઓ પુનર્જીવિત કરવા, નદી પરના નાના/સાંકળા ગાળાવાળા સી.ડી. વર્ક્સને તોડીને તેની જગ્યાએ નવા મોટા ગાળા વાળા સી.ડી. વર્ક્સ બનાવવા તેમજ જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા, હયાત ટાઈડલ રેગ્યુલેટરની જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોય ટાઈડલ રેગ્યુલેટરની નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. વધુમાં પાણીનો વ્યય અટકાવવા અને પાણીની ઉપયોગીતાઓ વધારવા હયાત સ્ટ્રકચરો જેવા કે તળાવ અને ટાઈડલ રેગ્યુલેટરને ઉંડા-પહોળા કરી જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

ઘેડ વિસ્તાર વિશે

જૂનાગઢ જિલ્લાના કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકા તથા પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સૌરાષ્ટ્રની ભાદર, ઓઝત, મઘુવંતી, મીણસાર વગેરે નદીના મુખત્રિકોણ પ્રદેશથી બનેલા વિસ્તારને ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ ઘેડ વિસ્તારમા મુખ્યત્વે સોરઠી ઘેડ જૂનાગઢ તેમજ પોરબંદર અને બરડા ઘેડ- પોરબંદર વિસ્તારનો સમાવેશ થાય છે.

નદીઓના મુખ પાસે આવેલ આ ત્રિકોણકાર પ્રદેશની બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ જતા આ વિસ્તારમાં ફરી વળે છે અને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તાર જળબંબાકાર થઇ જતા ગામડાઓ સમુદ્રની વચ્ચે આવેલા નાના-નાના ટાપુ જેવા લાગે છે. પરિણામે આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ તેમજ બહારના વિસ્તાર સાથેનો બઘો જ વ્યવહાર કપાઇ જાય છે અને નાગરિકોને મુશ્કેલી પડે છે. ઘેડના મોટા વિસ્તારમાં ભરાઇ રહેતા પૂરના પાણીના કારણે ચોમાસુ પાક તો લઇ શકાતો નથી એટલું જ નહીં પણ ચોમાસાના પાછલા ભાગમાં પુર આવે તો શિયાળુ પાક માટે પણ વાવેતર કરવામાં મોડું થવાથી પાકનો ઉતારો બહુ ઓછો આવે છે.

વઘુમાં ઘેડ વિસ્તાર(Ghed Area)માં દરિયાના પાણીથી જમીન વઘુ પ્રમાણમાં ખારી બનતી જાય છે અને પૂરના ઘોવાણથી જમીનનો કસ ઘોવાઇ જતા ખેતીલાયક જમીન નબળી બનતી જાય છે.

ભૂતકાળમાં ઘેડ વિસ્તાર(Ghed Area)ની સમસ્યાના નિવારણ માટે નદીનું Remodeling, વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેઇનો, Interlinking of rivers, નદી/ડ્રેઇન પરના પુલિયા, પૂર સંરક્ષણના કામો તથા નદીના મુખ પાસે બંઘારા બાંઘવાના કામો કરવામાં આવ્યા હતા. પરંતુ સમયાંતરે ઘેડ વિસ્તાર(Ghed Area)માં પુરની પરિસ્થિતિ વારંવાર સર્જાતા નદીઓ/ડ્રેઇનો કાંપથી ભરાઇ ગયા છે તથા જે તે સમયે આ નદી/ડ્રેઇનો પર બનાવેલ પુલિયા ઓછા ગાળાના હોય તેમાં ઝાડી-ઝાંખરા ફસાઇ જતા પાણીનું વહેણ અવરોધે છે અને જેનાથી જમીન ઘોવાણના પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડૂતો અને ગામોને થશે.


આ પણ વાંચો : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹509 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત–લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

આ પણ વાંચો : ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

આ પણ વાંચો : રાજ્યને 2026ના પ્રથમ મહિનામાં ₹4870 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ