Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્યના લોકોનું ઈઝ ઓફ લિવિંગ વધારવા 2026ના વર્ષના પહેલા મહિનામાં જ સમગ્ર રાજ્યમાં 4870 કરોડથી વધુના વિવિધ વિકાસ કામો (Development Works)સરકારે આપ્યા છે.
સુરત મહાનગરપાલિકાના રૂ.173.78 કરોડના વિકાસકામો (Development Works) નું લોકાર્પણ
મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકાના રૂ.173.78 કરોડના વિકાસકામો (Development Works) નું લોકાર્પણ અને રૂ.169 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરી સુરતવાસીઓને કુલ રૂ.342 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.
તેમણે આ અવસરે સ્પષ્ટપણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કામોના ખાતમુહૂર્ત સરકાર કરે તેના લોકાર્પણના કામો એ જ સરકારના કાર્યકાળમાં થાય તેવા સમયબદ્ધ આયોજનની જે કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેને ગુજરાતમાં આપણે સાકાર કરી છે.
રાજ્ય સરકારની ‘જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના-2016’ અંતર્ગત કતારગામ વિસ્તારના ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 આવાસોનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે રિડેવલપમેન્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે આવાસોનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કરી આવાસ લાભાર્થીઓ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ કર્યો હતો.
સુરતના અક્ષરવાડી, ડભોલી, કતારગામમાં અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેર આજે દેશભરમાં વિકાસ, સ્વચ્છતા અને શહેરીકરણનું ઉત્તમ મોડેલ બની ગયું છે. સુરતની સ્વચ્છતા એ સુરતવાસીઓમાં આવેલા બદલાવ અને સ્વચ્છતા પ્રેમનું પરિણામ છે. સુરત પોતાની સ્વચ્છતા, શિસ્ત અને આધુનિક શહેરી આયોજનના જોરે આજે મુંબઈ જેવા મહાનગરોને પણ પાછળ પાડી રહ્યું છે
મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસના ગ્રોથ એન્જિન બનેલા સુરતના વિકાસને નમૂનારૂપ ગણાવતા કહ્યું કે, સુરત દેશનું સૌથી ઝડપથી વિકસી રહેલું શહેર છે અને ઔદ્યોગિક વિકાસના કારણે સમગ્ર ભારતમાંથી લોકો અહીં રોજગાર માટે સ્થાયી રહ્યા છે, એટલે જ સુરતે ‘મિની ભારત’નું બિરૂદ મેળવ્યું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ તરીકે ઓળખાતું સુરત આજે સ્વચ્છતા, ગ્રીન મોબિલિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં પણ અગ્રેસર છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું વિઝન પૂર્ણ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત નિર્માણ આપણો સંકલ્પ સૌના સહકારથી જ પૂર્ણ થશે.
સુરત જેવા શહેરો દેશની આર્થિક ગતિશીલતાના કેન્દ્રો છે, જે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ તરફની યાત્રામાં નેતૃત્વ આપતા રહેશે. આજે સુરતને મળેલા રૂ.342 કરોડના વિકાસ કામો (Development Works) શહેરીજનોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે. ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 આવાસના જનભાગીદારીથી રિડેવલપમેન્ટન કારણે લાભાર્થી પરિવારોને સુરક્ષિત, આધુનિક અને આરામદાયક આવાસ મળશે એમ પણ તેમણે કહ્યું હતું.
એર પોલ્યુશન કંટ્રોલ, ઈ-મોબિલિટી, પ્રદૂષણમુક્ત પરિવહન અને જાહેર આવાસ યોજનાઓમાં પણ સુરતે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે એમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે 2005માં શરૂ કરેલી શહેરી વિકાસની યાત્રાના પરિણામે આજે ગુજરાત સર્વાંગી વિકાસનું મોડેલ સ્ટેટ બન્યું છે
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શહેરના દરેક વિસ્તારનો સમાન વિકાસ થાય તે સરકાર અને સ્થાનિક તંત્રના સતત પ્રયાસો હોય છે. આજે કતારગામ, વરાછા અને મોટા વરાછામાં જનસુવિધાઓનો વ્યાપ વધ્યો છે એમ જણાવી સંઘવીએ કહ્યું કે, રાજ્યની સૌથી મોટી અને અદ્યતન લાઇબ્રેરી રૂ.70 કરોડના ખર્ચે કતારગામમાં તૈયાર થઈ રહી છે, જેનું લોકાર્પણ આગામી ત્રણ મહિનામાં થશે. આ લાઇબ્રેરી હજારો યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય કંડારશે.
ડભોલી વિસ્તારમાં નવનિર્મિત ઓડિટોરિયમ કતારગામ, વરાછા અને આસપાસના વિસ્તારોના યુવાનો, કલાપ્રેમીઓ તથા નાગરિકો માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે. નાનપુરાગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ-વરાછા અને સંજીવકુમાર ઓડિટોરીયમ-પાલ બાદ હવે કતારગામમાં પણ આધુનિક ઓડિટોરિયમનું નિર્માણ થવાથી સુરત શહેરમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને નવી દિશા મળશે એમ તેમણે વધુમાં કહ્યું હતું.
સુરત મહાનગરપાલિકા સૌર ઉર્જાના ઉપયોગથી દર વર્ષે અંદાજે રૂ.10 કરોડની બચત કરી રહી છે, જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં દ્રષ્ટાંતરૂપ કદમ છે એમ જણાવી સંઘવીએ કહ્યું કે, સરકાર દ્વારા નિર્મિત ઓડિટોરિયમ, બ્રિજ, લાઇબ્રેરી અને શાળાઓ જેવા નવા પ્રોજેક્ટો, વિકાસપ્રકલ્પો માત્ર આજ માટે નહીં, પરંતુ આવનારી પેઢીના ભવિષ્ય માટે ઉભા કરાયા છે. આ સંપત્તિઓની સુરક્ષા, કાળજી, જાળવણી અને સ્વચ્છ રાખવા એ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે.
નાયબ મુખ્યમંત્રીએ ગોટાલાવાડી ટેનામેન્ટના નવીનીકરણથી 1304પરિવારોના જીવનમાં મોટું સકારાત્મક પરિવર્તન આવશે એમ જણાવી આ પરિવારજનો અનેરી ખુશી સાથે નવા ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેમના સપનાઓ સાકાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત જે ઝડપે વિકાસ કરી રહ્યું છે તે અન્ય શહેરો માટે ઉદાહરણરૂપ છે. એક સમયે અસ્વચ્છ શહેર આજે દેશનું નંબર વન સ્વચ્છ શહેર બન્યું છે. આગામી 50 વર્ષની શહેરની વસ્તીને ધ્યાને લઈને પાણીની વ્યવસ્થાનું સુયોગ્ય આયોજન મહાનગરપાલીકાએ કર્યું છે. દેશમાં સૌથી વધુ ૧૨૩થી વધુના બ્રિજ સાથે પાલિકા નંબર વન બની છે. સરકાર, પાલિકાના અધિકારીઓ- પદાધિકારીઓના સહિયારા સહિયારા પ્રયાસોથી વિકાસમાં તેજ ગતિએ આગળ વધી રહી છે. પાલિકા દર વર્ષે ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને વર્ષે ૪૦૦ કરોડની આવક મેળવી રહી છે, જે આગામી સમયમાં વધીને રૂ.700 કરોડ થશે. વેસ્ટ વોટરમાંથી આટલી માતબર આવક મેળવનાર સુરત દેશની પ્રથમ મહાનગરપાલિકા છે એમ તેમણે કહ્યું હતું.
પાટીલે વધુમાં કહ્યું કે, તાપી નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે રૂ.931 કરોડના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના પરિણામે ઉકાઈ અને સુરત સુધીના 85 કિમી દૂરથી આવતું ઉદ્યોગોનું ગંદુ પાણી હવે તાપી નદીમાં ભળતું અટકી ગયું છે.
નોંધનીય છે કે, રૂ.70 કરોડના ખર્ચે ડભોલીમાં નવનિર્મિત અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ, રૂ.12.66 કરોડના ખર્ચે જીઆવ બુડિયા લેકગાર્ડનનું લોકાર્પણ તેમજ સુરત મનપા દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિઠોદર ગામમાં સ્થાપવામાં આવેલા રૂ.55.56કરોડના ખર્ચે 10 મેગા વોટ ક્ષમતાનો ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ તેમજ લેકગાર્ડન વાંચનાલય, અર્બન હેલ્થ સેન્ટર, શેલ્ટર હોમ સહિતના કામોનું લોકાર્પણ તેમજ હાઇડ્રોલિક, ડ્રેનેજ સહિતના વિભાગોના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના સાંસ્કૃતિક વારસાને અવિરત કરવાના ભાગરૂપે લોકાર્પિત આધુનિક સુવિધાયુક્ત ઓડિટોરીયમ કતારગામવાસીઓ માટે સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેશે. ગ્રીન એનર્જી કન્સેપ્ટ અંતર્ગત હેઠળ સુરત મહાનગરપાલિકા પોતાની જરૂરિયાતના 28.5 ટકા રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતી મહાનગરપાલિકા બની છે. જેના કારણે દર વર્ષે 10કરોડની બચત થશે.
સુરતના મુળ બિલમાં 70 કરોડ બચત કરનારી મહાનગરપાલિકા બની છે. સુરત આગામી 2030 સુધીમાં સોલાર અને પવન ઉર્જા વડે 100 ટકા રિન્યુએબલ એનર્જી મેળવતી દેશની નંબર વન મહાનગરપાલિકા બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ગોટાલાવાડીના 1304 ટેનામેન્ટ સાથે રિડેવલપમેન્ટના કાર્ય સાથે રહીશોના ઘરના ઘરનું સ્વપ્ન સાકારિત થયું છે.
આ પ્રસંગે નાણા મંત્રી કનુ દેસાઈ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનોદભાઈ મોરડીયા, પ્રવિણ ઘોઘારી, મનુભાઈ પટેલ, કિશોર કાનાણી (કુમાર), સંગીતાબેન પાટીલ, અરવિંદ રાણા, મુકેશ પટેલ, કાંતિભાઈ બલર, સંદિપ દેસાઈ, ડે. મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજન પટેલ, મ્યુ. કમિશનર એન. નાગરાજન, શહેર સંગઠન પ્રમ્રુખ પરેશ પટેલ સહિત કોર્પોરેટરો, મનપાની વિવિધ સમિતિના ચેરમેનો, પદાધિકારી-અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
