Iran India Relations Hormuz Strait: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી આખી દુનિયામાં તેલની સપ્લાય અટકવાનો ભય ઉભો થયો હતો. પરંતુ આ વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાને ભારતને એક બહુ મોટી રાહત આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ભારત તેમનો પાક્કો મિત્ર છે અને ભારતીય જહાજોને તેઓ સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડશે. તો બીજી તરફ પડોશી દેશ ઓમાનમાં ડ્રોન હુમલામાં બે ભારતીયોએ જીવ ગુમાવ્યા છે અને ઈરાનના નવા સુપ્રીમ લીડર વિશે એક હચમચાવી દેનારો રિપોર્ટ સામે આવ્યો છે.
ઓઈલ સપ્લાયનું ટેન્શન ખતમ!
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં એક મોટું નિવેદન આપતા કહ્યું કે, “ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના અને અત્યંત મૈત્રીપૂર્ણ સંબંધો છે, જેથી અમે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.” તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે, આગામી બે થી ત્રણ કલાકમાં જ તમને સમુદ્રમાં તેની સકારાત્મક અસર જોવા મળશે. આ વિસ્તારમાં ભારત અને ઈરાન બંનેના સમાન હિતો જોડાયેલા હોવાથી, ઈરાનના આ મહત્વના નિવેદનથી ભારતમાં ક્રૂડ ઓઈલની સપ્લાય અટકવાની તેમજ પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની ચિંતા હવે ઘણી હળવી થઈ ગઈ છે.
ડ્રોન હુમલાનો ભોગ બન્યા 2 ભારતીયો
પશ્ચિમ એશિયાનો આ તણાવ હવે સામાન્ય નાગરિકોનો ભોગ લઈ રહ્યો છે. ઓમાનના સોહર પ્રાંતમાં સુરક્ષા દળોએ આકાશમાં ઉડતું એક ડ્રોન તોડી પાડ્યું હતું. દુર્ભાગ્યવશ, હવામાં બ્લાસ્ટ થયા બાદ આ ડ્રોનનો કાટમાળ (Debris) નીચે પડતા ત્યાં કામ કરી રહેલા બે ભારતીય કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાએ અખાતી દેશોમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા અંગે મોટી ચિંતા ઉભી કરી છે.
Iran ના નવા સુપ્રીમ લીડર કોમામાં!
બ્રિટિશ મીડિયા ‘ધ સન’ (The Sun) ના એક રિપોર્ટમાં ઈરાન વિશે અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલ તેઓ કોમામાં હોવાનું મનાય છે. તેમની હાલત એટલી નાજુક છે કે તેમનો એક પગ કાપી નાખવો પડ્યો છે અને લિવરને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાની વાત સામે આવી છે. હાલ તેમને તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હોસ્પિટલના એક ભાગને સંપૂર્ણપણે સીલ કરીને સૈન્યનો આકરો પહેરો લગાવી દેવામાં આવ્યો છે.
કોણ છે મુજતબા ખામેની?
ઉલ્લેખનીય છે કે, અમેરિકી હુમલામાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ જ અવસાન થયું હતું. ત્યારબાદ ગત 9 માર્ચના રોજ તેમના પુત્ર મુજતબા ખામેનીને દેશના નવા સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપ્સટીનની ‘ટાઈટેનિક પોઝ’ પ્રતિમા લાગતા જ હોબાળો
આ પણ વાંચો:અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની ‘સમુદ્ર ખાણ’નો કર્યો નાશ, ડોનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ચેતવણી
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી, ‘ઈરાની નૌકાદળનો નાશ કરીશું’, હોર્મુઝ સ્ટ્રેટ પર વધ્યો તણાવ
