Fake IPL in Gujarat: તમે આંતરરાષ્ટ્રીય સ્તરે અને IPL જેવી ક્રિકેટ મેચમાં સટ્ટાબાજીની ઘણી ઘટનાઓ જોઈ અને સાંભળી હશે. પરંતુ, હવે ગુજરાતમાં નકલી IPL ચાલતી હતી ત્યાં આવી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં ચાલી રહેલી આ નકલી IPLમાં રશિયાના લોકો પણ સટ્ટાની જાળમાં ફસાઈ ગયા હતા. હવે પોલીસે આ વાતનો ખુલાસો કર્યો છે અને 4 લોકોની ધરપકડ કરી છે.
આ બનાવટી ક્રિકેટ લીગનું આયોજન કરવા માટે ખેતર ભાડે રાખવામાં આવ્યું હતું અને મજૂરોને મેચ રમવા માટે પ્રતિ મેચ 400 રૂપિયા આપવામાં આવ્યા હતા. મેચ દરમિયાન મજૂરોને જર્સી પહેરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને નકલી અમ્પાયર પણ રાખવામાં આવ્યા હતા. મેચ દરમિયાન પાછળથી ઓડિયો ઈફેક્ટ પણ વગાડવામાં આવી હતી. એકંદરે, લોકોને એવો અહેસાસ કરાવવાનો પ્રયાસ હતો કે ખરેખરની IPL ચાલી રહી છે.
આ નકલી IPL મેચને શૂટ કરવા માટે HD કેમેરા લગાવવામાં આવ્યા હતા અને મેચનું YouTube પર લાઈવ સ્ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું હતું. આ માટે સેન્ચ્યુરી હીટર નામની ટીમ CRICHEROES નામની એપ પર રજીસ્ટર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, શોએબ દાવડા નામના વ્યક્તિએ આખું મેદાન સટ્ટાબાજી માટે તૈયાર કર્યું હતું અને 20-20 ઓવરની મેચ રમાઈ રહી હતી. મેચ રમી રહેલા તમામ ખેલાડીઓને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે કેવી રીતે રમવું, ક્યારે આઉટ થવું અને ક્યારે સ્કોર કરવો.
ગુજરાતમાં ચાલી રહેલી આ નકલી IPLના તાર રશિયા સાથે સંબંધિત છે અને એવું જાણવા મળ્યું છે કે ઠગોએ રશિયાના ત્રણ શહેર ટાવર, વોરોનેઝ અને મોસ્કોના લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. મહેસાણા પોલીસે ગુપ્ત માહિતીના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયા સાથે સ્થળ પરથી 4 લોકોની ધરપકડ કરી છે. મહેસાણા પોલીસે આ ફેક લીગ મેચ દ્વારા ચાલી રહેલા સટ્ટાની તપાસ કરી રહી છે અને 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ સટ્ટાબાજીમાં કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટનું નામ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો: ગોવા/ કોંગ્રેસ પર રાજકીય સંકટ! સોનિયાએ પોતે મોરચો સંભાળ્યો, જાણો શરૂઆતથી અત્યાર સુધી શું થયું
