જે ઘર માં તે કિલકીલીયારી કરતી, જે આંગણામાં તે ચાલતા શીખી અને જે અગાશી પરથી તેણે પહેલીવાર આકાશ જોયું હતું તે બધું જ પાછળ રહી ગયું હતું. 75 વર્ષ પહેલા એક 15 વર્ષની છોકરી ભાગલાની પીડા સાથે પાકિસ્તાનના રાવલપિંડીથી ભારત આવી અને સદાય માટે અહીં જ વસી ગઇ. આ વાત છે 90 વર્ષના રીના છિબ્બર વર્માની જે હવે પોતાનું ઘર જોવા માટે ભારતથી પાકિસ્તાન ગયા છે.
રીના છિબ્બર વર્માની સ્ટોરી ચર્ચામાં છે. રીના જ્યારે માત્ર 15 વર્ષની હતી, ત્યારે ભાગલા પછી તે પાકિસ્તાનના રાવલપિંડીથી પોતાનું ઘર છોડીને ભારત આવી ગઈ. તાજેતરમાં જ જ્યારે તે સીમા પાર કરીને પોતાના પૈતૃક ઘરને જોવા પાકિસ્તાન પહોંચી તો તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. એક ઈન્ટરવ્યુમાં તેણે જૂની યાદો શેર કરી છે. રીના વર્મા કહે છે- મને ખરેખર એવું લાગે છે કે હું ઘરે પાછી જઈ રહી છું.
ભાગલા પછી રીના છિબ્બર વર્માએ જ્યારે પોતાનું ઘર છોડ્યું ત્યારે તેણે પોતાનું આંગણું ફરી જોવાની આશા છોડી દીધી હશે. પરંતુ 75 વર્ષ પછી આખરે તે પોતાના દ્ધારા પહોંચી જ્યાં તેણે પ્રથમ શ્વાસ લીધો.
90 વર્ષની રીના વર્માનું સપનું હતું કે દુનિયા છોડતા પહેલા તે પાકિસ્તાનમાં રહેલું પોતાનું ઘર જોવા જાય. સદભાગ્યે, તેનું સ્વપ્ન હવે સાકાર થયું છે. અહેવાલ મુજબ, રીના વર્માને પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા સદ્ભાવનાના સંકેત તરીકે ત્રણ મહિનાના વિઝા આપવામાં આવ્યા છે. તે ત્રણ મહિના પાકિસ્તાનમાં રહી શકે છે.

એવું કહેવામાં આવ્યું હતું કે રીનાએ આ પહેલા પણ ઘણી વખત વિઝા માટે અરજી કરી હતી, પરંતુ વિઝા ક્યારેય આપવામાં આવ્યા ન હતા. આ વખતે તેણે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારને ટ્વિટર પર ટેગ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ તેમના માટે પાકિસ્તાની વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
15 જુલાઈએ રીના અટારી-વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાનના રાવલપિંડીમાં તેના બાળપણના ઘર ‘પ્રેમ નિવાસ’ પહોંચી. આ દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેમણે બંને દેશોની સરકારોને વિઝા નિયંત્રણો હળવા કરવા વિનંતી કરી.
જૂની યાદો શેર કરતા રીના વર્મા કહે છે – તે સમયે મારા મોટા ભાઈઓ અને બહેનોના ઘણા મુસ્લિમ મિત્રો હતા. તે અવારનવાર અમારા ઘરે આવતા હતો. પિતા ખુલ્લા મનના વ્યક્તિ હતા. રીના વર્માના કહેવા પ્રમાણે, ઘર સિવાય તે બાળપણમાં જ્યાં ભણતી હતી તે સ્કૂલમાં પણ જવાનો પ્રયત્ન કરશે. રીના તેના બાળપણના બાકીના મિત્રોને પણ મળવાનો પ્રયત્ન કરશે.

પુણેની રહેવાસી રીના વર્મા એક વીડિયોમાં કહે છે- ‘મેં મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. મારા ચાર ભાઈ-બહેનો પણ એ જ શાળામાં ભણતા. ભાગલા પહેલાં હિંદુ-મુસ્લિમ કોઈ મુદ્દો ન હતો. રીનાના સોશિયલ મીડિયા પર ઘણા પાકિસ્તાની મિત્રો છે. અહીં જ પાકિસ્તાની નાગરિક સજ્જાદ હૈદરે તેનો સંપર્ક કર્યો અને રાવલપિંડીમાં તેના ઘરની તસવીરો મોકલી. ધીરે ધીરે તેની સ્ટોરી પાકિસ્તાનમાં ચર્ચામાં આવી.
