ચેતવણી/ તેલંગાણામાં 40 વર્ષના વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો, સંપર્કમાં આવેલા 6 લોકોને કરવામાં આવ્યા આઇસોલેટ

તેલંગાણાના કામરેડ્ડીના 40 વર્ષના એક વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીને હૈદરાબાદની ફિવર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

Top Stories India

તેલંગાણાના કામરેડ્ડીના 40 વર્ષના એક વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીને હૈદરાબાદની ફિવર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના સેમ્પલને તપાસ માટે પુણેની NIV લેબમાં મોકલવામાં આવ્યા છે. તે થોડા દિવસ પહેલા જ કુવૈતથી પરત આવ્યો હતો. તેલંગાણાના પબ્લિક હેલ્થ ડિરેક્ટરે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે દર્દીના સંપર્કમાં આવેલા 6 લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેમાંથી કોઈને કોઈ લક્ષણો નહોતા. ઉલ્લેખનીય છે કે દેશમાં મંકીપોક્સનો ગ્રાફ ધીમે ધીમે વધી રહ્યો છે.

દિલ્હીમાં મંકીપોક્સનો એક કિસ્સો  સામે આવ્યો છે. પશ્ચિમ દિલ્હીના એક 34 વર્ષીય વ્યક્તિને લગભગ ત્રણ દિવસ પહેલા લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં મંકીપોક્સના લક્ષણો દર્શાવ્યા બાદ અલગ રાખવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી. સુત્રોએ જણાવ્યું કે દર્દીની હાલત સ્થિર છે. સર્વેલન્સ ટીમ તેના સંપર્કમાં આવેલા અન્ય લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. દર્દીને પીડાદાયક ચાંદા હતા, જે મંકીપોક્સનું લક્ષણ છે. અમે તેમની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે અને તેમને અન્ય કોઈ બીમારી નથી.

તેમણે કહ્યું કે ચેપગ્રસ્ત વ્યક્તિનો વિદેશ પ્રવાસનો કોઈ ઈતિહાસ નથી, પરંતુ તેણે ઘરેલુ મુસાફરી કરી હતી. તે સંક્રમણની ઝપેટમાં કેવી રીતે આવ્યો તેની કોઈ માહિતી નથી. દિલ્હીમાં ચેપનો મામલો સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા ચાર થઈ ગઈ છે. અગાઉ કેરળમાં મંકીપોક્સના ત્રણ કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે મંકીપોક્સને લઈને દુનિયામાં હલચલ મચી ગઈ છે. શનિવારે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ દુર્લભ રોગને લઈને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી. અગાઉ WHOએ કોરોના, ઈબોલા, ઝિકા વાયરસ માટે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી હતી. વિશ્વભરમાં મંકીપોક્સના 15 હજારથી વધુ કેસ છે. યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, કેનેડા અને અન્ય દેશોએ લાખો રસીઓ ખરીદી છે, જ્યારે આફ્રિકાને એક પણ રસી મળી નથી, જ્યાં વધુ ગંભીર પ્રકારનો મંકીપોક્સ પહેલાથી જ 70 થી વધુ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે.