Narmada News/ નર્મદા કલેક્ટરની પ્રથમ બેઠકમાં ભારે હોબાળો, પાણી-રસ્તા મુદ્દે ભાજપ અને AAPના નેતાઓ એકસાથે તંત્ર પર વરસ્યા

રાજપીપળામાં નર્મદા જિલ્લાના નવા કલેક્ટર ગંગા સિંઘ (Narmada Collector)ની પ્રથમ સંકલન બેઠક જ ભારે ગરમાગરમી વચ્ચે યોજાઈ હતી. પાણીની અછત, ખરાબ રોડ-રસ્તા અને વિકાસના અટકેલા કામોને લઈને ભાજપ અને AAPના નેતાઓએ એકસાથે અધિકારીઓને આડે હાથ લીધા હતા.

Top Stories Gujarat Others Breaking News
Narmada Collectorની પ્રથમ બેઠકમાં હોબાળો,નેતાઓ આક્રમક

Narmada News:  રાજપીપળામાં જિલ્લા કલેક્ટર (Narmada Collector) કચેરી ખાતે નર્મદા જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટર ગંગા સિંઘ (New Collector Ganga Singh) ના અધ્યક્ષસ્થાને પ્રથમ સંકલન બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે આવી બેઠકોમાં વિકાસકાર્યોની સમીક્ષા અને વિભાગીય કામગીરી અંગે ચર્ચા થતી હોય છે, પરંતુ આ બેઠક શરૂઆતથી જ તોફાની માહોલ વચ્ચે ચાલી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકો ભોગવી રહેલી મુશ્કેલીઓ મુદ્દે લોકપ્રતિનિધિઓએ વહીવટી તંત્ર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.

Narmada Collector:પાણીની સમસ્યાએ બેઠકમાં ગરમાવો લાવ્યો

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક દરમિયાન અધિકારીઓ પાસે પાણી પુરવઠાની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અનેક ગામોમાં ટેન્કરથી પણ નિયમિત પાણી ન મળતું હોવાનો મુદ્દો ઉઠાવી કડક શબ્દોમાં જવાબ માંગ્યા હતા.ચૈતર વસાવાએ જણાવ્યું કે લોકો પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને અનેક ગામોમાં મહિલાઓને લાંબા અંતર સુધી પાણી ભરવા જવું પડે છે.

Narmada Collector: રસ્તાની ખરાબ હાલત મુદ્દે ઉગ્ર રજૂઆત

બેઠક દરમિયાન જિલ્લાના ઘણા રસ્તાઓની બિસ્માર હાલત મુદ્દે પણ ભારે ચર્ચા થઈ હતી. ખાસ કરીને વર્ષોથી પડતર રહેલા ‘જૂના રાજ’ માર્ગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.લોકપ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો કે ખરાબ રસ્તાઓને કારણે ગામડાંના લોકોને રોજબરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા પૂરતી ગંભીરતા દાખવાતી નથી.

Narmada Collector
Narmada Collector

વન વિભાગ સામે સાંસદ મનસુખ વસાવાનો આક્રોશ

દેડિયાપાડાથી બોગજ રોડના કામમાં વન વિભાગ દ્વારા ઉભી કરાયેલી અડચણ મુદ્દે બેઠકમાં સૌથી વધુ ગરમાગરમી જોવા મળી હતી.ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા (BJP MP Mansukh Vasava)એ જણાવ્યું કે વિકાસના કામો શરૂ થયા પછી અધિકારીઓ દ્વારા મંજૂરી અને પ્રક્રિયાના બહાને કામ અટકાવવામાં આવે છે, જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પ્રજાના હિતના કામોમાં બિનજરૂરી વિલંબ સહન નહીં કરવામાં આવે.

ભાજપ અને AAPની અનોખી એકતા જોવા મળી

આ બેઠકની સૌથી ખાસ બાબત એ રહી કે સામાન્ય રીતે રાજકીય રીતે આમને-સામને રહેતા BJP અને AAPના નેતાઓ પ્રજાના પ્રશ્નોને લઈને એક જ મંચ પર એકસાથે જોવા મળ્યા હતા.ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ભાજપ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ (Dr. Darshanaben Deshmukh) અને દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ સંયુક્ત રીતે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

નવા કલેક્ટર માટે પ્રથમ બેઠક જ બની પડકાર

નવા કલેક્ટર ગંગા સિંઘ (Narmada Collector Ganga Singh) માટે પ્રથમ સંકલન બેઠક જ વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચેના તણાવને કારણે પડકારજનક બની હતી.જો કે કલેક્ટરે તમામ પ્રશ્નો ગંભીરતાથી સાંભળ્યા હતા અને પાણી, રોડ તેમજ અન્ય વિકાસકાર્યો અંગે તાત્કાલિક સમીક્ષા કરીને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

લોકોમાં હવે ઉકેલની આશા

લાંબા સમયથી પાણી અને રોડ જેવી મૂળભૂત સમસ્યાઓનો સામનો કરતા સ્થાનિક લોકો હવે બેઠક બાદ ઝડપી કાર્યવાહી અને વાસ્તવિક ઉકેલની આશા રાખી રહ્યા છે.આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો:રાજપીપળામાં અશાંતધારા લાગુ થતા સ્થાનિકોમાં અનેરો આનંદ, તંત્રે પણ કરી તૈયારીઓ

આ પણ વાંચો:દુર્ગંધે ખોલ્યું 3 દાયકા જૂનું રહસ્ય, 40થી વધુ વાઘના ચામડા મળ્યા, વન વિભાગ પણ ચોંકી ગયું!

આ પણ વાંચો:ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ