શાહરૂખ ખાન તેની ફિલ્મ રઇશના પ્રમોશન માટે ગુજરાત આવ્યો હતો,આ સમય દરમિયાન તે વડોદરા રેલવે સ્ટેશન પર અમુક ક્ષણ માટે રોકાયો હતો,જેના લીધે તેમના ચાહકો તેની એક ઝલક જોવા માટે બેકાબુ બન્યા હતા,જેના પગલે પોલીસે લાઠી ચાર્જ કરવાે પડ્યો હતો,અને અફરાતફરી મચી જવા પામી હતી,જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.આ અકસ્માત મામલે શાહરૂખ ખાનને જવાબદાર ઠેરવી તેની સામે કેસ કરવામાં આવ્યો હતો, જે ફરિયાદને એપ્રિલ મહિનામાં હાઇકોર્ટે રદ કરી હતી. જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ.જે અંતર્ગત બાદ શાહરૂખ ખાને વડોદરા રેલવે સ્ટેશન પર આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક મોકલ્યો હતો, જે ચેક સોમવારે ડીઆરએમને અપાશે.
ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટની ટકોર બાદ શાહરૂખ ખાન તરફે રેલવે તંત્રને પૂછાયું હતું કે, વડોદરામાં શું જરૂરિયાત છે. રેલવે તંત્ર દ્વારા પેસેન્જરોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની જરૂર હોવાનું અને તે માટે 23 લાખનો ખર્ચ થશે તેમ કહેવાયું હતું. ત્યારબાદ શાહરૂખ ખાને આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક તેમના એડવોકેટને મોકલ્યો હતો.
નોંધનીય છે કે ટ્રેન ઊભી રહેતાં શાહરૂખે ટીશર્ટ અને બોલ ભીડ તરફ ફેંકતાં અફરા-તફરી અને ભાગદોડ સર્જાઇ હતી. પોલીસે ટોળાના વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના આક્ષેપ સાથે વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જેમાં શાહરૂખ ખાન સામે સમન્સ પણ નીકળ્યું હતું.
