Mahesana News/ “પહેલા સુરત, હવે મહેસાણા!” ભ્રષ્ટાચારની ટાંકીઓ તૂટવાની તૈયારીમાં? નેતાઓએ તપાસ માટે ઉઠાવ્યો સુર

સુરતના કામરેજમાં જે કંપનીની ટાંકી તૂટી, એ જ જયંતી સુપર કંપની Mehsanaમાં 120 કરોડના પ્રોજેક્ટ કરી રહી છે. નવી ટાંકીઓમાં અત્યારથી તિરાડો દેખાતા ફફડાટ.

Surat Top Stories Gujarat
Mehsana Water Tank Leakage News

Mehsana Water Tank Leakage News: સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં હજુ 19 જાન્યુઆરીના રોજ 21 કરોડના ખર્ચે બનેલી નવીનક્કોર પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ કડડડભૂસ થઈને ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના પાછળ જવાબદાર ‘જયંતી સુપર’ કંપનીને લઈને હવે મહેસાણામાં પણ ગંભીર સવાલો ઉભા થયા છે. આ જ વિવાદાસ્પદ કંપની મહેસાણામાં અંદાજે 120 કરોડના પાણીપુરવઠાના કામો કરી રહી છે, જે હવે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યા છે.

શું Mehsanaમાં હોનારતની રાહ જોવાઈ રહી છે?

મહેસાણાના પૂર્વ કોર્પોરેટર જનક બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે શહેરમાં બની રહેલી નવી ટાંકીઓમાં અત્યારથી જ તિરાડો અને ભેજ જોવા મળી રહ્યો છે. ચવેલીનગરમાં બની રહેલી ટાંકીમાં ગુણવત્તાના ગંભીર પ્રશ્નો ઉઠતા છેલ્લા ચાર મહિનાથી કામ બંધ કરી દેવાયું છે. સુરત જેવી હોનારત અહીં ન સર્જાય તે માટે તાત્કાલિક સેફ્ટી ઓડિટ અને તપાસની માંગ ઉઠી રહી છે.

Mehsana Water Tank Leakage News

કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ

કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના જણાવ્યા અનુસાર, ‘જયંતી સુપર’ નામની કંપની સરકારના વિવિધ વિભાગોની માનીતી કોન્ટ્રેક્ટર છે અને સરકારે અગાઉ આ કંપની પાસેથી પૈસા પરત લેવા માટે નોટિસ પણ ફટકારી હતી, તેથી મહેસાણામાં આ કંપની દ્વારા કરાયેલા તમામ કામોની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. બીજી તરફ, પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સૂતરિયાએ માંગ કરી છે કે નવનિર્મિત ટાંકીઓની મજબૂતીનું યોગ્ય ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને જો તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનું માલુમ પડે, તો કંપની સામે કાયદાકીય ફરિયાદ નોંધી તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવી જોઈએ.

અધિકારીઓનો લૂલો બચાવ

જ્યારે આ મામલે જીયુડીસી (GUDC)ના અધિકારી હર્ષ રાવલનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે અજીબ બચાવ કરતા કહ્યું કે, “આ લીકેજ નથી, માત્ર ક્ષાર જમ્યો હોવાના ધબ્બા છે.” અધિકારીના આ નિવેદનથી લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતમાં પણ આવી જ બેદરકારીને કારણે ટાંકી તૂટી પડી હતી.

Mehsana Water Tank Leakage News

મહેસાણામાં ‘જયંતી સુપર’ પાસે કયા કામો છે?

અમૃત 2.0 યોજના હેઠળ મહેસાણામાં એક ખાનગી કંપનીને વિશાળ કોન્ટ્રેક્ટ સોંપવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં 133 કિમી લાંબી પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી સામેલ છે, જેમાંથી 90 કિમીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પાણીના સંગ્રહ માટે સોમનાથ-ઋતુરાજ, કસબા ટેકરા, રામોસણા, ચવેલીનગર અને અંબાજી માતા મંદિર વિસ્તારમાં મળીને કુલ 5 નવી ટાંકીઓ તેમજ 6 થી 10 લાખ લિટરની ક્ષમતા ધરાવતા 6 મોટા સંપ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, શહેરમાં 5 ગટર પમ્પિંગ સ્ટેશન અને 34 કિમી લાંબી ગટર લાઇન નાખવાની સાથે નાગલપુર પાસે આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સુરતની એ ઘટના જેણે ધ્રુજાવી દીધા

19 જાન્યુઆરીએ સુરતના ગાયપગલામાં 11 લાખ લિટરની ક્ષમતાવાળી ટાંકી અડધી ભરાતા જ તૂટી પડી હતી, જેમાં 3 મજૂરોને ઇજા થઇ હતી. એક તરફ 75 વર્ષ જૂની ટાંકીઓ જેસીબીથી પણ માંડ તૂટે છે, ત્યારે બીજી તરફ 21 કરોડની નવી ટાંકી પાણી ભરતા જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય તે તંત્ર અને કોન્ટ્રેક્ટરની મિલીભગત સામે મોટા સવાલો ઉભા કરે છે.


આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, અમદાવાદ સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી બંધ

આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોને હાલાકી

આ પણ વાંચો:હિંમતનગરમાં શા માટે પાણીની ટાંકી તોડી પડાઈ…