Ahmedabad News/ ગુજરાતમાં 26 જૂને સત્તાવાર ચોમાસું બેસવાની શક્યતા

આગામી 26 જૂનની આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું (Monsoon)બેસી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Top Stories Ahmedabad Gujarat
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મહારાષ્ટ્રમાં થોડો સમય ધીમી પડેલી ચોમાસા (Monsoon)ની ગતિ હવે ફરી તેજ બની છે

Ahmedabad News : ગુજરાતના ખેડૂતો, વાહનચાલકો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મહારાષ્ટ્રમાં થોડો સમય ધીમી પડેલી ચોમાસા (Monsoon)ની ગતિ હવે ફરી તેજ બની છે અને આગામી 26 જૂનની આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું (Monsoon)બેસી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દરિયામાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈનના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. તેના પ્રભાવ હેઠળ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ વીજળીના કડાકા-ભડાકાની પણ આગાહી (Forecast)કરવામાં આવી છે.

દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની અને ઊંચા મોજાં ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હાલ રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકો ગરમી અને બફારાથી પરેશાન છે. જોકે આગામી 24 કલાક દરમિયાન ચોમાસું વધુ આગળ વધશે અને આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે.

ખેડૂતો માટે પણ આ આગાહી આશાજનક માનવામાં આવી રહી છે, કારણ કે ચોમાસાના આગમન સાથે ખરીફ પાકની વાવણીને ગતિ મળશે અને કૃષિ પ્રવૃત્તિઓમાં વધારો થશે.


આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ભાવનગર અને ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો : દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલુ: આજે પણ અનેક જિલ્લામાં મેઘમહેરની આગાહી