Weather News: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના મોટા ભાગના વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદ, આંધીઓ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત કુલ 23 રાજ્યોમાં ભારે વરસાદ સાથે 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક રાજ્યોમાં વીજળી પડવાની, તોફાની પવનો ફૂંકાવાની તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આશંકા છે. પૂર્વોત્તર રાજ્યોમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવા અને સંપત્તિને નુકસાન પહોંચવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આસામ, ત્રિપુરા, મેઘાલય, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને અંડમાન-નિકોબાર સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
મધ્ય પ્રદેશના 35 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદી માહોલ દરમિયાન લોકોને વીજળી પડવાના જોખમથી સાવધાન રહેવા અને અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનો ખતરો IMD એની ચેતવણી
સક્રિય પશ્ચિમ વિક્ષોભના પ્રભાવને કારણે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તોફાની પવન સાથે ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પહાડી તેમજ મેદાની વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કરાવર્ષાની સંભાવના
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાવર્ષાની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં અચાનક ઘટાડો થઈ શકે છે અને ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે.
હિમાચલના 6 જિલ્લામાં યેલો એલર્ટ, પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ
બીજી તરફ હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા અને સિરમૌર જેવા મહત્વપૂર્ણ પર્યટન અને બાગાયતી વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો: દેશમાં ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં અનેક વિસ્તારોમાં હવામાનનો કહેર, વીજળીના કડાકાથી 16નાં મોત
આ પણ વાંચો: પાંચ સિસ્ટમો વચ્ચે ફસાયું ચોમાસું, ગુજરાત સહિત 19 રાજ્યોમાં વરસાદની ભારે અછત
આ પણ વાંચો: ચોમાસું બન્યું સક્રિય! દેશના 21 રાજ્યોમાં વરસાદ, આંધી અને વીજળીનું એલર્ટ
