ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં બુધવાર સવારે એક મોટી સડક દુર્ઘટના બની છે. ઇટાવા-મૈનપુરી હાઇવે પર એક વોલ્વો બસ ડિવાઇડર સાથે અથડાઈ ગયા બાદ બસ પલટી ગઈ હતી, આ દુર્ઘટનામાં 17 મુસાફરોના મોત થયા છે અને 35 જેટલા લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ વોલ્વો બસ જયપુરથી ફરૂખાબાદ જઈ રહી હતી. વોલ્વો બસ ઇટાવા-મૈનપુરી રોડ પરથી કીતરપુરની પાસે ડિવાઇડર સાથે અથડાઈ ગયા બાદ બસ પલટી ગઈ હતી, બસ પલટી ગયા બાદ રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં. કેટલીક લાશો એટલી ગંભીર હાલતમાં હતી કે તેને ઓળખવી પણ મુશ્કેલ બની હતી.
17 dead,more than 35 injured after a private bus hit a divider and overturned near Mainpuri pic.twitter.com/ySVQzf43TQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 13, 2018
આ દુર્ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. રોડ પર લાશોના ઢગલો જોઈને પોલીસ પણ બે ઘડી માટે સ્તબ્ધ થઇ હતી. ઘાયલોને મૈનપુરી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માંટે મોકલી દીધા છે.
મૃતકોમાં મોટાભાગના લોકો ફરૂખાબાદ છે તેવી માહિત મળી રહી છે. હાલ પોલીસ લાશોની ઓળખ કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બસ ફૂલ ઝડપે જઈ રહી હતી અને ડિવાઇડર સાથે અથડાઈ ગયા બાદ બસ પલટી ગઈ હતી.
આ દુર્ઘટનામાં ઘાયલ લોકોના જણાવ્યા મુજબ બસ ડબલડેકર હતી. આ સિવાય બસની છત પર પણ લગભગ 30-35 લોકો બેઠા હતાં. જે લોકોના મોત થયા તેમાં મોટાભાગના લોકો બસની છત પર બેઠા હતાં.
