Thunderstorm Alert India: ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે દેશના 21 રાજ્યો માટે ભારે વરસાદ (Rain) આંધીઘૂમર અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. સક્રિય પશ્ચિમી વિક્ષોભ અને આગળ વધી રહેલા ચોમાસાના કારણે ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક વિસ્તારોમાં 60થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.
ઉત્તર પ્રદેશના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં ધૂળભરી આંધીઓ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
બિહારમાં ચોમાસું વધુ સક્રિય બનતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને પૂર્વીય વિસ્તારોમાં પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. રણપ્રદેશના વિસ્તારોમાં ધૂળભરી આંધીઓને કારણે દૃશ્યતા ઘટી શકે છે.
