National News/ પાંચ સિસ્ટમો વચ્ચે ફસાયું ચોમાસું, ગુજરાત સહિત 19 રાજ્યોમાં વરસાદની ભારે અછત

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પાંચ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થતાં ચોમાસા (Monsoon)ના વાદળોની આગળ વધવાની પ્રક્રિયા ધીમી પડી છે

Top Stories India
દેશભરમાં ચોમાસા (Monsoon)ની રાહ જોતા ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે

National News : દેશભરમાં ચોમાસા (Monsoon)ની રાહ જોતા ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે ઝડપથી આગળ વધતું ચોમાસું આ વર્ષે 15 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચ્યા બાદ તેલંગાણામાં અટકી ગયું છે. 8 જૂનથી ચોમાસાની ગતિ રોકાઈ ગઈ હોવાથી ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પાંચ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થતાં ચોમાસા (Monsoon)ના વાદળોની આગળ વધવાની પ્રક્રિયા ધીમી પડી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતાં ભેજયુક્ત પવનો પૂરતા પ્રમાણમાં સક્રિય નથી, જેના કારણે વરસાદી સિસ્ટમો ઉત્તર તરફ આગળ વધી શકતી નથી.

ગુજરાતમાં સૌથી ઓછી વરસાદી સ્થિતિ

1થી 18 જૂન દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશ કરતાં 38 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. તેમાં ગુજરાત સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બન્યું છે, જ્યાં સામાન્ય કરતાં 79 ટકા ઓછો વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્રમાં પણ 78 ટકા ઓછો વરસાદ નોંધાતા કૃષિ અને જળસંગ્રહ અંગે ચિંતાઓ વધી રહી છે.

7 રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

ચોમાસા (Monsoon)ના વિલંબને કારણે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશાના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. ઉત્તરપ્રદેશના બાંદામાં દેશનું સૌથી વધુ 43.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

અલ નીનોના સંકેતો વધ્યા

અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ના સેટેલાઇટ ડેટા મુજબ ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન (ITCZ) પૂરતો સક્રિય નથી. આ સ્થિતિ ચોમાસાની ગતિ ધીમી પાડે છે. સાથે જ અલ નીનો જેવી પરિસ્થિતિ વિકસતી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં અસમાન વરસાદ અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ પર વીજળી પડી

કોલકાતા એરપોર્ટ પર વાવાઝોડા દરમિયાન ઇન્ડિગોની અગરતલા જતી ફ્લાઇટ 6E6068 પર વીજળી પડવાની ઘટના બની હતી. ઘટનામાં બે ગ્રાઉન્ડ સ્ટાફને નાની ઇજાઓ થઈ હતી. સાવચેતીના ભાગરૂપે તમામ 147 મુસાફરોને અન્ય વિમાનમાં ખસેડવામાં આવ્યા હતા.

નવી મુંબઈ એરપોર્ટ પર પાણી લીકેજ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકતાં બેગેજ બેલ્ટ નંબર 5 અને 6ની કામગીરી થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી. એરપોર્ટ સત્તાવાળાઓએ એક કલાકની અંદર સમારકામ પૂર્ણ કરીને કામગીરી ફરી શરૂ કરી હતી.

આગામી બે દિવસની હવામાન આગાહી

20 જૂને બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની શક્યતા છે. જ્યારે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

21 જૂને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના (Heavy Rain Alert) છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

આગામી 4-5 દિવસમાં ચોમાસું આગળ વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉપરના વાતાવરણમાં સક્રિય જેટ સ્ટ્રીમ્સ નબળી પડતાં ચોમાસા (Monsoon)ના પવનો વધુ મજબૂત બનશે. તેના કારણે આગામી 4થી 5 દિવસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ સહિત દેશના અન્ય વિસ્તારોમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે.


આ પણ વાંચો : ક્યાં અટકી ગયું ચોમાસું? ગુજરાતની ચિંતા વધી, વરસાદ માટે રાહ જોતા ખેડૂતોને ઝટકો

આ પણ વાંચો : ચોમાસું બન્યું સક્રિય! દેશના 21 રાજ્યોમાં વરસાદ, આંધી અને વીજળીનું એલર્ટ

આ પણ વાંચો : ભારતમાં ચોમાસુ ગાયબ, સેટેલાઇટની છબીઓ દર્શાવે છે ચોમાસાના વાદળ ગાયબ