લખનૌ,
ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં હારનો સામનો કર્યા પછી બહુજન પાર્ટીના નેતા માયાવતીએ પોતાની હારનું ઠીકરૂ ફરી એકવાર ઇવીએમ પર ફોડ્યું છે. માયાવતીએ ફરી એકવાર ઇવીએમ પર સવાલો ઉભા કરતાં જણાવ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીઓમાં બેલેટ પેપરથી મતદાન થયું હોત તો તેમનો પક્ષ સુપડા સાફ કરી દેત. મેં અગાઉ લોકસભાની ચૂંટણી સમયે પણ ઇવીએમ પર સવાલો ઉભા કર્યા હતા.
માયાવતીએ મીડીયાને સંબોધતા જણાવ્યું હતું કે જો ભાજપ પ્રમાણિક હોય અને લોકશાહીમાં માનતો હોય તો તેણે ઇવીએમને રદ કરીને બેલેટ પેપરથી વોટિંગ કરાવવું જોઇએ. હું ગેરન્ટી આપું છું કે જો બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ભાજપ પાવરમાં ના હોત.
યુપીમાં જ્યારથી બીએસપી સત્તા ગુમાવી રહી છે ત્યારથી ચૂંટણીઓમાં માયાવતી સતત બેલેટ પેપરની માંગણી કરી રહી છે અને તેમણે ઇવીએમ પર પણ સવાલો ઉભા કર્યા છે.
જો કે તેની સામે યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, ઇવીએમમાં કંઇ ભુલો નથી પરંતું તેમના માઇન્ડ સેટ અને પક્ષમાં છે. એ લોકોએ ચોક્કસ જાતિ માટે કામ કર્યું છે અને જનતાએ તેમને ફેંકી દીધા છે. અમે નાત-જાત સિવાય દરેક લોકો-ધર્મ માટે કામ કર્યું છે જેના કારણે જનતાએ અમને સ્વીકાર્યા છે.
