weather update news/ ક્યાં અટકી ગયું ચોમાસું? ગુજરાતની ચિંતા વધી, વરસાદ માટે રાહ જોતા ખેડૂતોને ઝટકો

ચોમાસું (Monsoon) સ્લો-મોશનમાં, ગુજરાત સહિત દેશભરમાં વરસાદની રાહ લંબાઈ

Top Stories Gujarat
MONSOON

Monsoon Delay in Gujarat: દેશભરના ખેડૂતો અને સામાન્ય નાગરિકો જે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે હવામાન વિભાગ તરફથી ચિંતાજનક માહિતી સામે આવી છે. નૈઋત્યનું ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદની રાહ વધુ લાંબી બનવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં હાલમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ અથવા ડિપ્રેશન સક્રિય ન હોવાથી ચોમાસાની પ્રગતિ પર અસર પડી છે. છેલ્લા છ દિવસથી ચોમાસું તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં સ્થિર રહ્યું છે અને આગામી એક સપ્તાહ સુધી નવી મજબૂત સિસ્ટમ બનવાના સંકેતો પણ જોવા મળતા નથી.

ચોમાસાની ધીમી ગતિને કારણે મુંબઈ સુધી તેના આગમનમાં હજુ 7થી 8 દિવસનો સમય લાગી શકે છે. જોકે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશભરમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો 723 જિલ્લાઓમાંથી અત્યાર સુધી માત્ર 103 જિલ્લાઓમાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે, જે ચોમાસાની નબળી પ્રગતિ દર્શાવે છે.

અમદાવાદમાં ઉકળાટથી લોકો પરેશાન

ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં હજુ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદના અભાવે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું છે. શહેરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા

ચોમાસું મોડું હોવા છતાં સ્થાનિક હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન પ્રી-મોન્સૂન વરસાદી ઝાપટાં પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સામાન્ય વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને મેદાની વિસ્તારોમાં આંધી, વાવાઝોડા તથા વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે.

આ ઉપરાંત પાકિસ્તાન-રાજસ્થાન સરહદી વિસ્તારમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.


આ પણ વાંચો : ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ, વરસાદી માહોલ વચ્ચે વધશે ઉકળાટ

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

આ પણ વાંચો : રાજ્યમાં પ્રજા અસહ્યનીય ગરમી-ઉકળાટથી ત્રાહિમામ