- નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે જળસ્તરમાં વધારો થયો
- નર્મદા હજુ ભયજનક સપાટીથી 4 ફુટ નીચે વહી રહી છે
ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નર્મદા ડેમ માંથી 4 લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડવાના કારણે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઉભું થવાની ચેતવણી આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકાના 40 ગામ સાથે ભરૂચ અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે વહેલી સવારે રાહતના સમાચાર એ સામે આવ્યા કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી હજુ 4 ફુટ નીચે વહેતી નજરે પડી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે.
ગુજરાતમાં વેળાસર થઈ ગયેલા ચોમાસાના આગમન બાદ હવે મેઘરાજાએ બીજી ઈનિંગમાં સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓ ગાંડીતૂર બની છે. હજુ પણ આગામી દિવસોમાં છુટા છવાયા વરસાદથી લઇ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં સતત નવા નીરની આવક થઈ છે. જેથી ડેમની જલ સપાટીમાં વધારો થયો છે.
