ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સર્જરી સફળ રહી છે. ભારતીય ઓલરાઉન્ડર એશિયા કપ 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતા, જેના પછી તેને સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. જયારે રવિન્દ્ર જાડેજા આગામી T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હશે કે કેમ તે અંગે શંકાઓ યથાવત છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજા ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેમના ઘૂંટણની ઈજા અંગે અપડેટ શેર કર્યું છે. ખેલાડીએ 6 સપ્ટેમ્બર, મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર જાણ કરી કે તેમના ઘૂંટણની સર્જરી સફળ રહી છે અને તે ટૂંક સમયમાં સાજા થઇ જશે.

નોંધનીય છે કે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયા હતા. જો કે, ભૂતકાળમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે T20 વર્લ્ડ કપ 2022માં હજુ ઘણો સમય બાકી છે, તેથી એ કહેવું યોગ્ય નહીં હોય કે રવિન્દ્ર જાડેજા ખરેખર T20 વર્લ્ડ કપમાંથી બહાર છે. નોંધનીય છે કે, રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે ભારતીય પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતા.
ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની બીજી મેચમાં આજે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે છે. આ મેચની વાત કરીએ તો, શ્રીલંકાના કેપ્ટન દાશુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી છે. ઓપનર કેએલ રાહુલ 6 રન બનાવીને મહેશ તિક્ષાના બોલ પર આઉટ થયો હતો.
