Maharastha/ એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે જૂથ, કોને મળશે શિવસેનાનું પ્રતીક? ચૂંટણી પંચે આપ્યો આ સંકેત

સીઈસીએ કહ્યું કે ચૂંટણી પંચ પાસે ‘બહુમતીના શાસન’ની પારદર્શક પ્રક્રિયા છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરશે.

Top Stories India

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર મહત્વનો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે જવાબદારી ચૂંટણી પંચ પર નાંખી છે. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેની અરજીને ફગાવીને ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે મંગળવારે 27 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથને ‘વાસ્તવિક’ શિવસેના તરીકે ઓળખવી જોઈએ અને તેને પક્ષનું નિશાન ધનુષ-બાણ આપવું જોઇએ. આ મુદ્દે પારદર્શી અમલીકરણ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને શિંદે જૂથની અરજી પર સુનાવણી ચાલુ રાખવાની મંજૂરી આપ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું છે. સીઈસીએ કહ્યું કે ચૂંટણી પંચ પાસે ‘બહુમતીના શાસન’ની પારદર્શક પ્રક્રિયા છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરશે.

જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પહેલાથી જ એક સ્થાપિત પ્રક્રિયા છે. તે પ્રક્રિયા અમને સશક્ત બનાવે છે અને અમે ‘બહુમતીના નિયમ’ને લાગુ કરીને તેને ખૂબ જ પારદર્શક પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. જ્યારે પણ અમે આ બાબત પર ધ્યાન આપીશું ત્યારે અમે ‘બહુમતીના શાસન’ને લાગુ કરીશું. સુપ્રીમ કોર્ટના નિર્ણયને વાંચ્યા બાદ આ કરવામાં આવશે. તેઓ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા ગાંધીનગર આવ્યા હતા.

શિંદે જૂથની દલીલ છે કે શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો તેમની છાવણીનો ભાગ હોવાથી શિવસેનાનું ચૂંટણી ચિન્હ તેમને આપવું જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અપીલનો જવાબ આપતાં કહ્યું હતું કે પંચ બહુમતી શાસનની પારદર્શક પ્રક્રિયાનો અમલ કરશે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે, શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે વાસ્તવિક શિવસેનાને લઈને શબ્દ યુદ્ધ ચાલુ છે. દરમિયાન, મંગળવારે, 27 સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તે નક્કી કરવાની મંજૂરી આપી હતી કે કયું જૂથ અસલી છે અને શિવસેનાનું ચૂંટણી પ્રતીક કોને આપવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આ કેસની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કરતા ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ તેમના જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપવા અને તેમને પક્ષનાં પ્રતીકની ફાળવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ પછી, સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટના રોજ, ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની વિનંતી પર, શિવસેનાના ચૂંટણી પ્રતીકના મુદ્દા પર વચગાળાની રાહત માટે આ મામલો બંધારણીય બેંચ સમક્ષ મૂક્યો. ઉદ્ધવ ઠાકરે જૂથે એકનાથ શિંદે જૂથને માન્યતા આપવાના દાવા પર ચૂંટણી પંચ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી.

નોંધનીય છે કે જૂન મહિનામાં, એકનાથ શિંદેએ ભાજપની મદદથી ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારને તોડી પાડી હતી અને 30 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને શિંદેના જૂથ વચ્ચે અસલી શિવસેના કોણ છે તેના પર યુદ્ધ ચાલી રહ્યું છે.