- ગુજરાતની ચૂંટણીમાં મોદી કોઈ કસર છોડવા માંગતા નથી
- ભાજપ ગુજરાતમાં નબળી પડેલી કોંગ્રેસનો ફાયદો ઉઠાવી ઐતિહાસિક વિજય મેળવવા આતુર
- આપના વધતા જતા પ્રભાવને વડાપ્રધાનને હાથે ખાળવાની ભાજપની વ્યૂહરચના
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરોબર કમર કસી લીધી છે. તેઓ ચૂંટણી પૂર્વે કોઈપણ પ્રકારની ખામી રહેવા દેવા માંગતા નથી. કોંગ્રેસ આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત છે અને તેનો ફાયદો ઉઠાવીને આપ ગુજરાતમાં પગ પ્રસારવાનો પ્રયત્ન કરી રહ્યુ છે ત્યારે વડાપ્રધાને ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવવા માટે જાણે રીતસરની કમર કસી લીધી છે.
તેના જ ભાગરૂપે તાજેતરમાં ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ કરનારા વડાપ્રધાન હવે ફરીથી 19મી ઓક્ટોબરે ગુજરાત આવવાના છે. આ વખતે તે સીધા સૌરાષ્ટ્રમાં રાજકોટ જવાના છે. વડાપ્રધાનના કાર્યાલય તરફથી સ્પષ્ટ રીતે ગુજરાતના સીએમઓને આ પ્રકારનો સંદેશો મળી જતા રાજકોટમાં આના માટે તૈયારીઓ શરૂ થી ગઈ છે. રાજકોટમાં વડાપ્રધાન મોદીની જંગી જાહેર સભા યોજવાનું પણ આયોજન હોવાની માહિતી મળી રહી છે.
વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમની તૈયારીનો હવાલો મંત્રી જીતુ વાઘાણીને સોંપી દેવાયો છે. વડાપ્રધાન રાજકોટમાં જાહેર સભા પણ કરવાના છે. ગઈ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યુ હતુ તે વડાપ્રધાનના ધ્યાનમાં છે. તેથી આ વખતે વડાપ્રધાન કોઈપણ કારી બાકી રહેવા દેવા માંગતા નથી.
કેજરીવાલ દ્વારા ગુજરાતના લોકો માટે જે રીતે એક પછી એક જાહેરાત કરવામાં આવી રહી છે તેના પગલે વડાપ્રધાન મોદી રાજકોટ માટે કોઈ મોટી જાહેરાત કરે તો આશ્ચર્ય નહી થાય. હાલમાં રાજકોટ અને અમદાવાદ વચ્ચે છ લેનના હાઇવેનું કામ પૂરુ થવાની તૈયારીમાં છે, તેની સાથે રાજકોટ-અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન કે વંદે ભારત ટ્રેનની પણ જાહેરાત થઈ શકે છે અથવા તો તેના લોન્ચિંગની પણ જાહેરાત કરી શકે છે. આમ છતાં પણ કોઈ બીજી મોટી જાહેરાત પણ શક્ય છે.
વડાપ્રધાન મોદી આમ પણ લોકોને સરપ્રાઇઝ આપવા જાણીતા છે, તેથી કોઈ નવી જાહેરાત કરી શકે છે. તેમણે તાજેતરમાં અમદાવાદમાં મેટ્રો શરૂ કરી અને વંદે ભારત ટ્રેન પણ શરૂ કરી. હવે જો રાજકોટ માટે પણ મેટ્રોની જાહેરાત થાય તો આશ્ચર્ય નહી થાય. વડાપ્રધાન રાજકોટની સાથે સૌરાષ્ટ્રમાં પણ અનેક યોજનાઓના લોકાર્પણની જાહેરાત કરી શકે છે.
