- સુરતને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે
- 13 વર્ષની દિવ્યાંગ બાળકી સાથે અડપલાં
- સુરતના ગોપીપુરા ખાતે બની ઘટના
- એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય યુવકે કરી છેડતી
- સમગ્ર ઘટનાનાં સીસીટીવી આવ્યા સામે
- બાળકીનાં પરિજનો દ્વારા ફરિયાદ નોંધાઈ
- અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી ફરિયાદ
સુરતમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવાર નવાર ચોરી, મારામારી, લૂંટ જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હવે સુરતમાં બાળકીઓ કે મહિલાઓ સુરક્ષિત ન રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે બળાત્કાર અને છેડતી જેવી ઘટનાઓ પણ સુરત પોલીસના ચોપડે છાસવારે નોંધાતી રહે છે. ત્યારે સુરતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગોપીપુરામાં સામે આવી છે.
ગોપીપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 13 વર્ષની દિવ્યાંગ બાળકી સાથે એપાર્ટમેન્ટમાં રહેતા એક 28 વર્ષના ઇસમે અડપલા કર્યા હતા. દિવ્યાંગ બાળકી એપાર્ટમેન્ટના પસેજમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ 28 વર્ષના વિરલ શાહ નામના નરાધમે બાળકીની એકલતાનો લાભ લઈને બાળકો સાથે અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. બાળકીના પરિવારના સભ્યોને આ બાબતે જાણ થતાં તેમને એપાર્ટમેન્ટમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અઠવાલાઇન્સ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતા દાખવીને CCTV ફૂટેજના આધારે નરાધમ વિરલ શાહની ધરપકડ કરી છે. અઠવાલાઇન્સ પોલીસ દ્વારા વિરલ શાહ નામના ઈસમ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
