- બીજા તબક્કાનો ખર્ચ 5,384 કરોડ આવશે, 28.54 કિ.મી લાંબો કોરિડોર
- બીજો તબક્કો પૂરેપૂરો એલિવેટેડ હશે અને કુલ 20 સ્ટેશનો હશે
- મોટેરાથી શરૂ થનારી મેટ્રો ગાંધીનગર મહાત્મા મંદિરે પહોંચશે
- વડાપ્રધાન મોદીએ 2019માં મેટ્રોના બીજા ફેઝનો શિલાન્યાસ કર્યો હતો
અમદાવાદ મેટ્રોના ફેઝ-ટુ માટે ફ્રાન્સનું 1,700 કરોડનું ધિરાણ મળતા કામકાજ મળતા તેનું કામકાજ વેગ પકડી શકે છે. અમદાવાદ મેટ્રોનો બીજો તબક્કો મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિરનો છે. આ ફેઝ 28.54 કિ.મી. લાંબો છે. તેમાથી 20 કિ.મી.નો ફેઝ અંડર કન્સ્ટ્રકશન છે. તેના પાછળનો ખર્ચ 5384.17 કરોડ અંદાજવામાં આવ્યો છે.
તેના માટે કેન્દ્ર સરકારે ફાળવણી પણ કરી છે. તેમા પણ ફ્રાન્સના ધિરાણના લીધે પ્રોજેક્ટ સમયસર પૂરો થાય તેમ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પૂરો કરવામાં આવશે તેમ મનાય છે. પણ મેટ્રોના કામકાજે જે રીતે સ્પીડ પકડી છે તે જોતા મે 2024 પહેલા પણ આ પ્રોજેક્ટ પૂરો થાય તો કોઈને આશ્ચર્ય નહી થાય.
અમદાવાદમાં મેટ્રોના પ્રથમ તબક્કાના બંને રૂટ શરૂ થઈ ગયા છે. જ્યારે મેટ્રોના ફેઝ-ટુના બીજા તબક્કાનું કામ ફેબ્રુઆરી 2021થી શરૂ કરી દેવાયું છે. હાલમાં 20 કિ.મી.નું કામ અંડર કન્સ્ટ્રકશન છે. મેટ્રો ફેઝ-ટુનો સમગ્ર તબક્કો એલિવેટેડ હશે. આમ તેના માટે જમીન સંપાદનની મુશ્કેલી નહી નડે. તેમા કુલ 20 સ્ટેશનો આવશે.
તેમા મોટેરા પછી કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર છે.
ફેઝ-2 માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર ગઇકાલે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે સિગ્નેચર સમારોહ યોજાયો હતો. એ દરમિયાન ફેઝ-2 માટેના રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર સહી કરવામાં આવી હતી. આ અંગે ખુદ ફ્રેન્ચ રાજદૂતે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ફ્રેન્ચ રાજદૂતે મેટ્રો સાઈટની પણ વિઝિટ પણ કરી હતી.
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને મેટ્રોથી સાંકળવાનો સરકારનો પ્લાન છે. આ સિવાય SG હાઈવે અને SP રિંગ રોડ અને એની પણ બહાર વિકસેલા અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોને પણ મેટ્રોથી કનેક્ટ કરાશે, જેમાં સાણંદ, થોળ, કલોલ, કડીનો પણ સમાવેશ થઈ શકે છે, કારણ કે અહીંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ કે ગાંધીનગર રોજેરોજ અપડાઉન કરે છે. મેટ્રોનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર આગામી બજેટમાં ખાસ ફાળવણી પણ કરી શકે છે. મેટ્રોના નવા કોરિડોરની પણ જાહેરાત થઈ શકે છે.
