શાહ નો સટકો/ અમિત શાહે ચાલુ શિબિરમાં ભાજપના આ નેતાને ટોક્યા, કહ્યું ભાષણ સંક્ષિપ્તમાં પૂરૂ કરો..

અમિત શાહે કહ્યું કે ભાષણ માટે 5 મિનિટનો સમય અપાયો છે, તમે 8 મિનિટ કરતા વધારે સમયથી બોલો છો

Top Stories India Others

નેતાઓના હાથમાં એક વખત માઇક આવે એટલે પત્યું, પછી તેઓ શું બોલે છે, કેટલુ બોલે છે અને ઘણીવાર તો કેમ બોલે છે તેનું પણ ભાન નથી રહેતું. પરંતુ અમિત શાહે પોતાના જ પક્ષના નેતાના લાંબા ભાષણને જાહેરમાં જ બંધ કરવાનું કહ્યું. વાત જરા એમ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના સૂરજકૂંડમાં આયોજિત ગૃહમંત્રીઓની શિબિરમાં હાજર હતા. આ દરમિયાન તેમણે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને બે વાર ટોક્યા હતા. અમિત શાહે કહ્યું કે ભાષણ માટે 5 મિનિટનો સમય અપાયો છે, તમે 8 મિનિટ કરતા વધારે સમયથી બોલો છો, આને થોડું સંક્ષિપ્તમાં પૂરૂ કરો.

ઉલ્લેખનીય છે કે દેશની આંતરિક સુરક્ષા અંગે હરિયાણાના સૂરજકુંડમાં 2 દિવસીય ચિંતન શિબિર દરમિયાન અમિત શાહ એક ચિંતન શિબીરમાં હાજર રહ્યા હતા. ત્યારે હરિયાણા ગૃહમંત્રી અનિલ વિજે લાંબુ ભાષણ આપવાનું શરૂ કર્યું હતું. જોકે તે ઘણા લાંબા સમયથી બોલ્યા કરતા હતા એના પરિણામે અમિત શાહે તેમને ટોકવા પડ્યા હતા.

જ્યારે બીજી બાજુ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનિલ વિજે  પોતાના ભાષણમાં કહ્યું કે અમે પોલીસ અધિકારીઓને કહ્યું  છે કે તેઓ લોકોની સમસ્યાને એક કલાક સુધી સાંભળે. નોંધનીય છે કે હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજ વધારે લાંબા સમય સુધી ભાષણ આપતા હતા એ જોઈને તેમને સંક્ષિપ્તમાં પૂર્ણ કરવા માટે અમિત શાહના સ્ટાફ દ્વારા એક ચિઠ્ઠી પણ આપવામાં આવી હતી. આ ચીઠ્ઠી મળી ગઈ હોવા છતા તેમણે ભાષણ બંધ ન કરતા અમિત શાહે માઈક ઓન કર્યું હતું.

અમિત શાહે કહ્યું કે અનિલ જી થોડું સંક્ષિપ્તમાં કહેવું પડશે. તમારો સમય 5 મિનિટનો હતો પરંતુ તમે 8.30 મિનિટ સુધી બોલવાનું ચાલુ રાખ્યું હતું. તમે થોડું સંક્ષિપ્તમાં પૂરૂ કરજો, હવે કાર્યક્રમને આગળ વધારવાનો સમય છે. નોંધનીય છે કે અમિત શાહે એકવાર કહ્યું છતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ બોલતા રહ્યા હતા. ત્યારપછી ગૃહમંત્રી અમિત શાહે ફરીથી માઈક ઓન કર્યું અને કહ્યું કે અનિલ વિજ તમારું ભાષણ પૂરૂ કરો. અહીં આપણે સમયસર ચાલવું પડે છે. ત્યારપછી અનિલ વિજે પોતાનું ભાષણ પૂરૂ કરી દીધું હતું.