Sarasapuri: આણંદ જિલ્લામાં સારસાપુરી ધામ ખાતે તા. 22થી 25 દિવ્ય પરમગુરુ શ્રીમદ્ કરુણાસાગર મહારાજશ્રીના પ્રાગટ્યનાં 251 વર્ષના ઉપલક્ષ્યમાં સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવનું અને આચાર્યે અવિચલદાસજી મહારાજના સપ્તમ કુવેરાચાર્ય ગાદી પર એકાવન વર્ષ પૂર્ણ થયાના અવસર પર સુવર્ણજયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ભારતના પ્રસિદ્ધ સંતો તથા ગુજરાતના ટોચના રાજકારણીઓ સહિત વિવિધ ક્ષેત્રનાં પ્રસિદ્ધ મહાનુભાવો અને દેશ-વિદેશના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

કૈવલધામમાં કુવેરાચાર્ય અવિચલદાસની નિશ્રામાં વિરાટ હિન્દૂ સંમેલન યોજાયું હતુ.અહીં (Sarasapuri) સમગ્ર દેશના વિવિધ પ્રદેશોમાંથી જ્ઞાની ,વિદ્વાન ,જગદગુરુ ,સંત મહંત,વિવિધ અખાડાના મહામંડલેશ્વર અને સાધુ-સંન્યાસી મહારાજો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય વૈદિક અને પ્રાચીન ધર્મ ,સંસ્કૃતિ પરંપરા અને સભ્યતા સહિતના વિષયો અને સમસ્યાઓ ઉપર ચિંતન થયું હતું.
જે ઉંમરે યુવાનો ફિલ્મો જોવાના, હરવા-ફરવાના અને જીંદગીને બિન્ધાસ્ત જીવવાના સપના જોતો હોય, (Sarasapuri) એ ઉંમરે એક નવ યુવાન પોતાનું સંર્પુણ જીવન ધર્મના રક્ષણ માટે સમર્પિત કરે તો..સંસ્કૃતમાં નિર્પુણ થઇને એક ઉમદા સમાજના સર્જનના સમણાં જોવે તો..એટલુ જ નહીં તમામ પ્રકારની ભેદરેખા દૂર કરી માત્રને માત્ર ધર્મની રાહમાં જીવન હોમી દેવાનું વિચારે તો..ચોક્કસથી એમ કહી બેસાય કે યુગ ગમે તે હોય પણ આવા યુવાનો મળવા મુશ્કેલ છે. પરંતુ આણંદ જીલ્લાના સારસાપુરી ધામના સાતમા ગાદીપતી આચાર્ય અવિચલદાસજી મહારાજ આવા જ યુવાન બન્યા. જેમણે માત્ર 20 વર્ષની ઉંમરે ધર્મની રક્ષા કરી, લોકજનનો ઉદ્ધાર કરવાનું બેડુ પોતાના શીરે લીધુ હતું. આ વાતને આજે પાંચ દાયકા પુર્ણ થઇ ગયા છે. પરંતુ તેમના આધ્યાત્મિક સાથે નવી રાહ ચીંધતા વિચારો આજે પણ નવા દાયકાની શરૂઆત કરી રહ્યા છે. વાત કરવી છે સારસાપુરી ધામમાં ઉજવાયેલા વિશાળ ધર્મ સંમેલન સહિત પ્રેરક કાર્યક્રમની.
ધર્મના મૂળ ધણા ઉંડા છે

આજના આધુનિકયુગમાં જો બાળકોમાં યોગ્ય સંસ્કારનું સિંચન કરવામાં ન આવે તો આવનારા ભવિષ્યમાં સમાજને પાંગળો બનતા કોઇ રોકી નહીં શકે. પરંતુ સારસાપુરી (Sarasapuri)માં ભજવવામાં આવેલી દિવ્ય નૃત્ય નાટિકાથી એ વાત સાબિત થઇ જાય છે કે આજે પણ ધર્મના મૂળને કોઇ તાકાત હલાવી શકી નથી. તા 22 જાન્યુઆરીને રવિવારે દિવ્ય પરમગુરુ શ્રીમદ્ કરુણાસાગર મહારાજની સૃષ્ટિમાં કેવલજ્ઞાન પ્રચાર દિવ્ય-યાત્રા આધારિત બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગારંગ નૃત્ય તથા નાટકોનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો. જ્ઞાનસંપ્રદાયના નેમી પરિવારના બાળકોએ પરમગુરુ શ્રી કરુણાસાગર મહારાજની જીવનલીલાને અભિનય દ્વારા અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી તાદ્રશ્ય રજૂઆત કરી હતી. નાટકમાં પરમગુરુ શ્રી કરુણાસાગર મહારાજના જીવનપ્રસંગો અને જ્ઞાનઉપદેશ મહિમા પણ ભાવપૂર્ણ રજૂ કરાયો હતો જેમાં દેશ-વિદેશમાંથી નેમી પરિવારનાં 500થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. આ નૃત્ય નાટકમાં દૈવીધામ તથા સપ્તદ્વીપમાં પરમગુરુની અલૌકિક વિચરણયાત્રાનું અદ્ભુત દર્શન થયુ. આ બાલનાટીકા સવારે અને સાંજે એમ બે ભાગમાં રજૂ કરવામાં આવી હતી.
અભૂતપૂર્વ નગરયાત્રા
દિવ્ય પરમગુરુના 251મા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે 23મીએ, સોમવારે કૈવલજ્ઞાન પીઠ ગુરુગાદી સારસાપુરી(Sarasapuri)માં ભવ્ય અભૂતપૂર્વ નગરયાત્રા નિકળી હતી. જેમાં હજારો લોકો ઉત્સાહથી જોડાયા હતા. એટલુ જ નહીં પરમગુરુ પ્રાગટ્યભૂમિ બાલકુવેરમાં મધ્યાહન પ્રાગટ્ય આરતી અને 251 દીવાઓની સાથે સાયંકાલ ઉપાસના તથા આતિશબાજીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અસ્મરણીય બની રહ્યું.
વિશાળ ધર્મસંમેલન

મંગળવાર અને તા.24મીએ, સવારે 9:00થી 12:00 અને બપોરે 3:00થી 5:00 વિશાળ (Sarasapuri)ધર્મસંમેલન યોજાયું હતુ. જેમાં ભારતવર્ષમાંથી વિવિધ સંપ્રદાયના વંદનીય જગતગુરુ, વંદનીય સંપ્રદાયાચાર્ય, અખાર્ડીના વંદનીય આચાર્ય મહામંડલેશ્વર, પૂ. મંડલેશ્વર, પૂ. શ્રી મહંત, પૂ. સંતજન, કથાકાર અને કીર્તનકાર પધાર્યા હતા. જેમણે પુણ્યશ્ર્લોક, લોકપાવન દિવ્ય વિભૂતિઓનાં દર્શન તથા આધ્યાત્મિક માર્ગદર્શન આપી બધા જિજ્ઞાસુ-મુમુક્ષુજનોનો કલ્યાણનો માર્ગ મોકળો બનાવ્યો.
સમૂહલગ્નોત્સવ
દીકરીનો જન્મ થાય એટલે માતા-પિતાને બાળપણથી જ તેના લગ્નની ચિંતા સતાવવા લાગે છે. સુખી સંપન્ન પરિવાર તો અઢળક ખર્ચ કરીને દીકરીના લગ્ન કરતા હોય છે. પરંતુ જે દીકરીઓના ઘરે બે ટંક ખાવાના પણ ફાંફા હોય તેવી દીકરીઓના લગ્ન કેમ કરી કરવા. આવી અનેક દિકરીઓના પીતાની જવાબદારી પણ આ ઉત્સવમાં નિભાવવામાં આવી હતી. જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર 125 યુગલોનો સત કૈવલ સમૂહલગ્નોત્સવમાં લગ્નના તાંતણે લાગણીની ગાંઠે બાંધવામાં આવ્યા હતા. પરમગુરુ શ્રીમદ્ કરુણાસાગર મહારાજ સાઈદ્વિતાબ્દી મહોત્સવના પ્રસંગ પર 250 જરૂરતમંદ પરિવારની દીકરીઓનાં લગ્નનો પૂ. ગુરુજીનો સંકલ્પ છે, જેના ભાગરૂપે 25 જાન્યુઆરીએ 125 દીકરીઓના લગ્ન ધામધૂમ અને અનેરા ઉમંગ સાથે કરાવવામાં આવ્યા હતા. જયારે બીજી 125 દીકરીઓના લગ્ન બીજા તબ્બકામાં કરાવવામાં આવશે.
ગુરુગાદીની સ્થાપના અને અનુપમ ગ્રંથોનું નિર્માણ

પરમગુરુ શ્રીમદ્દ કરુણાસાગર મહારાજે સારસા (Sarasapuri)ને તીર્થભૂમિ બનાવી સકર્તા સિધ્ધાંતનો પ્રચાર કરવા કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદીની સ્થાપના કરી. જે સંપ્રદાય તેમણે સ્થાપ્યો તેનું નામ જ્ઞાન સંપ્રદાય નામે પ્રસિધ્ધ થયો. દિવ્ય પરમગુરુ શ્રીમત્ કરુણાસાગર મહારાજે સારસાપુરીમાં જ્ઞાન સમ્પ્રદાય ગુરુગાદીની સ્થાપના કરીને કૈવલજ્ઞાનનો પ્રચાર કરવા માટે કઠોર પરિશ્રમ કર્યો. સેંકડો મુમુક્ષુઓને સાધુદીક્ષા આપી અને કૈવલજ્ઞાનના પ્રચારમાં સહુને પ્રવૃત્ત કર્યા. એટલુ જ નહીં દિવ્ય પરમગુરુએ પ્રભાતિયાં, મંગળપદો, ધોળ, ભજનો સહિત પંદર મહાન ગ્રંથોની રચના કરી. પરમગુરુના પટ્ટશિષ્ય પૂજ્ય નારણદાસજી મહારાજે બે અને અચરતબા પાઠકે એક એમ અન્ય ત્રણ ગ્રંથોની રચના કરવામાં આવી. આમ કૈવલજ્ઞાનનો ઉપદેશ જ્ઞાન સમ્પ્રદાયના કુલ અઢાર ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. દિવ્ય પરમગુરુ શ્રીમત કરુણાસાગર મહારાજે આ સૃષ્ટિમાં 105 વર્ષ રહીને સકર્તા સિદ્ધાંતનો પ્રચાર કર્યો. અને વર્તમાન સમયમાં આચાર્ય અવિચલદાસ મહારાજ ગુરુગાદીના સપ્તમ કુવેરાચાર્ય પદ શોભાવી રહ્યાં છે.
આચાર્ય અવિચલદાસજી મહારાજની 51 વર્ષની યાત્રા અને કાર્યો

‘આદર્શોની વાતો કરવાથી જીવન આદર્શ બની જતું નથી. આદર્શો જીવનનું અભિન્ન અંગ બનવા જોઇએ.’ આ શબ્દો છે આચાર્ય અવિચલદાસજી મહારાજના.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના નાના ગામ હઠીપુરાના એક કિશોરે માત્ર 17 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી સંર્પુણ જીવન ધર્મના કલ્યાણ માટે અર્પ્યું. ગામના એક ભક્તે આ કિશોરને જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસાપુરીની રાહ બતાવી. બાલાસિનોરમાં ઓલ્ડ એસ.એસ.સીની પરિક્ષા આપીને ત્યાંથી જ યુવાને સારસાપુરીની વાટ પકડી. યુવાનની સમર્પણની ભાવના જોઇને નેમી મહારાજે તાગ મેળવી લીધો કે આ કિશોરનું સમર્પણ ઉપરછલ્લું નથી. માટે જ નેમીમહારાજે તે યુવાનને કાશીમાં સંસ્કૃત અભ્યાસઅર્થે મોકલ્યો. ત્યાં આ યુવાનનું કઠોર ઘડતર થયું. તમામ રીતે તૈયાર થયેલા આ યુવાનને ઇ.સ. 1972માં ગુરુગાદીના છઠ્ઠા આચાર્ય નેમીમહારાજે પોતાના અનુગામી તરીકે પટ્ટશિષ્યને માત્ર 19 વર્ષની ઉંમરે સપ્તમ કુવેરાચાર્ય તરીકેની જવાબદારી સોંપી અને પોતે સ્વધામ પધાર્યા. ગુરુગાદીના એ સપ્તમ કુવેરાચાર્ય અને યુવાન એટલે આચાર્ય અવિચલદાસજી મહારાજ. જેમને ભક્તો ગુરુજી કહીને સંબોધે છે. છેલ્લા 43 વર્ષ દરમિયાન જ્ઞાન સંપ્રદાય ગુરુગાદીનો જે વિકાસ કર્યો છે તે અપૂર્વ છે. પોતાના ગુરુજીના સપનાને સાકાર કરવા આચાર્ય અવિચલદાસજીએ આખી યુવાની ખપાવી દીધી. એટલુ જ નહીં આજે 72 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના યુવાન જેવા સતત કાર્યશીલ રહીને સમાજના હીતમાં કામ કરે છે. ગુરુજીએ ગુરુગાદીનું નામ ભારતભરના સંતો, મહંતો અને રાજપુરુષોના મોઢે રમતું કર્યુ છે. વર્તમાન સમયમાં જ્ઞાન સંપ્રદાયની ગુરુગાદી સારસાપુરી એ માત્ર અનુયાયીઓ માટે જ નહીં પરંતુ સમસ્ત ભારતના મહાનુભાવો માટે પણ આસ્થાનું કેન્દ્ર અને તીર્થધામ બની ચૂક્યું છે. આ વીશે મંતવ્ય સાથે વાત કરતા આચાર્ય અવિચલદાસજી મહારાજે કહ્યું કે ગાદીપતી બન્યા પછી સૌથી મહત્વનું હતુ સામાન્ય જન સુધી પહોંચવું, તેમના પ્રશ્નો સમજવા તેનું નિરાકારણ લાવવું અને તેમને એ અહેસાસ કરાવવો કે આ મહારાજ તો અમારા છે. માટે જ ગ્રંથશિબિર, ગુરુજીની નિશ્રા જેવા ઉપક્રમો ચલાવ્યા. જેના કારણે લોકો એમ સમજતા થયા કે આ મહારાજ અમારા છે અને અમે તેમને અમારી કોઇ પણ સમસ્યા કહી શકીએ છીએ.

ગુરુજીએ અનેક કાર્યોની સાથે સાથે સમસ્ત હિન્દુ જાતિના કલ્યાણ અને સંગઠન માટે પણ અખિલ ભારતીય સંત સમાજમાં રહીને અગ્રેસર ભૂમિકા નિભાવી. નાની ઉંમરથી શરૂ કરેલી યાત્રામાં ગુરુજીએ સંત સમાજમાં અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આજે તેઓ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમની સેવાકીય કામગીરીની વાત કરીએ તો તેમની 50મી જન્મજયંતિની ઉજવણીમાં આવેલા 10 કિલો સોનામાંથી સત કૈવલ આઇ હોસ્પિટલનું નિમાર્ણ કર્યું. આજે આ હોસ્પિટલ દર વર્ષે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં 7000 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપે છે. સર્ગભા મહિલાઓને પુરતુ પોષણ મળે તે માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. બાળકોના ભાવીને ઉજવળ બનાવવા પરમગુરુ પાઠશાળાનું નિમાર્ણ કરવામાં આવ્યું હતુ જે છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણનું દાન આપી રહી છે. આ સંકુલમાં સત કૈવલ કોલેજ ઓફ ફાર્મસીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં વનવાસી વિદ્યાર્થિઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત સત કૈવલ ગૌશાળા છે. જીવનસૃષ્ટિની સુરક્ષા અને મનુષ્યોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી પર્યાવરણની સુરક્ષા અને પાકૃતિક ખેતી-જૈવિક ખેતી માટે અથાગ પ્રયત્ન ગુરુજી કરી રહ્યાં છે. વરસાદી પાણીના સંગ્રહ માટે પાઠશાળામાં રેઇન વોટર હોસ્ટિંગ પંપની વ્યવ્સથા પણ ગુરુજીએ કરી છે. કોરોનાકાળમાં સેવાના ઉમદા કાર્ય કરી સમાજમાં ઉત્તમ ઉદાહરમ પુરુ પાડ્યું હતુ. આ ઉપરાંત એવા અનેક કાર્યો છે જે આચાર્ય અવિચલદાસજી મહારાજ નિરંતર કરતા રહે છે.
