પોતાના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરને લઈને ઉઠી રહેલા સવાલો પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પહેલીવાર સ્પષ્ટીકરણ આપ્યું છે. અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આયોજિત એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં, પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે જય શાહની કંપનીમાં કોઈ ગરબડ થઈ નથી.
અમિત શાહને પુછવામાં આવ્યું હતુ કે આરોપ લાગી રહ્યા છે કે જય શાહની કંપનીનું ટર્નઓવર 50 હજારથી વધીને 80.5 કરોડ રૂપિયા થઈ ગયું. વિપક્ષ પુછી રહ્યું છે કે આમ કેવી રીતે થયું છે? જવાબ આપતા અમિત શાહે કહ્યુ હતુ કે સારું કર્યું તમે આ પ્રશ્ન કર્યો. કાર્યક્રમના માધ્યમથી પહેલા કેટલાક સવાલ ઉઠાવવા માંગુ છું, પછી જવાબ આપીશ. તો અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પર આઝાદી બાદથી આટલા કરપ્શનના આરોપો લાગ્યા. પરંતુ કોંગ્રેસે એકપણ બદનક્ષીનો કે એકસો કરોડની બદનક્ષીનો કેસ કર્યો છે? નથી કર્યો તો આટલી હિંમત શા માટે થઈ નથી? જયે પોતે ફોજદારી બદનક્ષીનો કેસ ફાઈલ કર્યો છે.
વિપક્ષ તપાસની માગણી કરી રહ્યું છે, જયે તો ખુદ તપાસની માગણી કરી છે. ઉપરાંત કહ્યું કે, હવે તમારી પાસે જે તથ્ય છે, તેને લઈને પહોંચી જાવ કોર્ટમાં, કોર્ટ નિર્ણય કરશે. તેમણે ખુદ તપાસને આમંત્રિત કરી છે. અમિત શાહે કહ્યુ છે કે તેઓ પહેલા સ્પષ્ટતા કરી દે કે કંપનીએ એક રૂપિયાનો વેપાર સરકાર સાથે કર્યો નથી. એક રૂપિયાની મદદ કરી નથી. સરકારી જમીન લીધી નથી અને ન તો બોફોર્સની જેમ દલાલી ખાધી છે, તો આમા કરપ્શનનો સવાલ જ પેદા થતો નથી.
