સુરત/ ચોમાસામાં ટામેટા સહિત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, જાણો શા માટે થયો ભાવમાં વધારો

ટામેટાના ભાવ વધવા પાછળના કેટલાક કારણો પણ જવાબદાર હોય છે. આ કારણમાં એક કારણ એવું છે કે છેલ્લા પાંચ મહિનાથી ટામેટાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો.

Gujarat Surat Trending

@અમિત રૂપાપરા 

ચોમાસુ શરૂ થતાની સાથે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ કહેવાનું કારણ એવું છે કે શાકભાજીના ભાવ આસમાન પર પહોંચી ગયા છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે શાકભાજીનો ભાવ ગત વર્ષોની તુલનામાં ખૂબ જ વધુ છે અને ટામેટાના ભાવ તો લોકોના બજેટ પર ખૂબ જ અસર કરી રહ્યા છે. સુરત એપીએમસી માર્કેટમાં હાલ ટામેટા 180થી 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે એટલે સામાન્ય નાગરિકો શાકભાજી વિક્રેતાઓ પાસેથી 200 કરતાં વધારે પૈસા આપીને એક કિલો ટામેટા ખરીદવા માટે મજબૂર થઈ રહ્યા છે.

ટામેટાના ભાવ વધવા પાછળના કેટલાક કારણો પણ જવાબદાર હોય છે. આ કારણમાં એક કારણ એવું છે કે છેલ્લા પાંચ મહિનાથી ટામેટાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. તેના જ કારણે હિમાચલ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જે ખેડૂતો ટામેટા પકવતા હતા તે ખેડૂતોએ ટામેટાની ખેતી ઓછી કરી દીધી. તેના કારણે માર્કેટમાં ટામેટાની સપ્લાય ઘટી. બીજું કારણ છે કે તાજેતરમાં જ બિપોરજોઈ વાવાઝોડાની અસરના પગલે અલગ અલગ રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના જ કારણે ટામેટાના પાકને નુકસાન થયું. તો હાલ હિમાચલમાં પણ વરસાદના કારણે તારાજી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને હાલ હિમાચલમાંથી ટામેટાની નિકાસ થવી કોઈ શક્ય નથી અને ટમેટાનો પાક ખરાબ થયો હોવાના કારણે હવે કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની સપ્લાય હિમાચલમાં પણ થશે એટલે ગુજરાતમાં પણ ટામેટાની સપ્લાય ઘટી છે. સપ્લાય સામે માંગ ખૂબ વધારે હોવાના કારણે ટામેટાના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. માત્ર ટામેટા જ નહીં પરંતુ ફુલાવર, લીંબુ, મરચા, ગુવાર, ચોળી, ટીંડોળા, કોથમીર, પાપડી, તુવેર, ભીંડા, લીલા કાંદા તેમજ આદુનો ભાવ પણ ખૂબ જ વધુ જોવા મળ્યો છે.

જૂન મહિનાની કમ્પેરીઝનમાં જુલાઈમાં શાકભાજીના ભાવમાં લગભગ 40થી 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. જૂન મહિનામાં ફુલાવરનો ભાવ 200થી 260 રૂપિયા 20 કિલો હતો. તો ટામેટાનો ભાવ 700થી 750, લીંબુ 400થી 500, મરચા 1200થી 1500 રૂપિયા, ગુવાર 400થી 500 રૂપિયા, ચોળી 800થી 1000 રૂપિયા, પાપડી 1500થી 1600 રૂપિયા, ભીંડા 500થી 600 રૂપિયા, ટીંડોળા 360થી 380 રૂપિયા, કોથમીર 300થી 360 રૂપિયા, આદુ 2200 થી 2600 રૂપિયા, તુવેર 1000થી 1200 અને લીલા કાંદા 300થી 340ના ભાવે 20 કિલો મળતા હતા.

તો જુલાઈ મહિનાના શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો 20 કિલો ફ્લાવરના 500થી 600 રૂપિયા, ટામેટાના 1800થી 2000 રૂપિયા, લીંબુના 500થી 600 રૂપિયા, મરચાના 1800થી 2000 રૂપિયા, ગુવારના 1100થી 1200 રૂપિયા, ચોળીના 1000થી 12000 રૂપિયા, ભીંડાના 600થી 700 રૂપિયા, પાપડીના 1100થી 1200 રૂપિયા, ટીંડોળાના 800થી 1000 રૂપિયા, કોથમીરના 700થી 800 રૂપિયા, આદુના 2500થી 3000 રૂપિયા, તુવેરસિંગના 1800થી 2000 રૂપિયા અને લીલા કાંદાનો ભાવ 400થી 450 રૂપિયા 20 કિલો જોવા મળી રહ્યો છે.

શાકભાજીના ભાવમાં 40થી લઈ 70%નો ભાવ વધારો થયો હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ચોમાસું પહેલા ઉનાળામાં શાકભાજી ખૂબ જ સસ્તું મળતું હતું પરંતુ હાલ વાવાઝોડાની અસર તેમજ ચોમાસાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે અને તેની ડિમાન્ડ ખૂબ જ વધારે હોવાના કારણે ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી

આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત, ચાર દટાયા

આ પણ વાંચો:સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં વળતરની લાલચ આપી કરી ઠગાઈ, બે આરોપીની ધરપકડ