ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. રવિવારે ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ઘણી નદીઓ ગાંડીતૂર બની હતી. પરિણામે અનેક નદી કાંઠાના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આજે બપોરે બે વાગ્યા સુધીમાં કુલ 12 હજારથી વધુ વ્યક્તિઓનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે જ્યારે 617 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું હતું.
છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના વરસાદ વરસી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો હતો. સરદાર સરોવર ડેમના 23 દરવાજા પણ ખોલાવામાં આવતા નદી અને જળાસયોમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. કડાણા ડેમમાં પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતૂર બની હતી. નદીઓમાં જળ સ્તર વધતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.
રાહત કમિશનર આલોકકુમાર પાંડેના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં 2 ઇંચથી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, NRDF અને SDRFની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.
એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ છે જે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવામાં આવશે. સ્થળાંતરિત વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
