મંગળવારે નવા સંસદ ભવનમાં વિશેષ સત્રની કાર્યવાહી શરૂ થવાની સાથે જ ભારતના સંસદીય ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. જૂની સંસદ ભવન હવે ઈતિહાસ બની ગયું છે . આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી અને અન્ય નેતાઓ સાથે જૂની ઇમારત છોડીને નવા સંસદ ભવન પહોંચ્યા હતા.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કહ્યું કે જૂની સંસદ ભવન હવે ‘સંવિધાન સદન’ તરીકે ઓળખાશે. તેમણે એમ પણ કહ્યું કે સંસદનું કામકાજ અહીંના નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. સ્પીકરે એવી પણ જાહેરાત કરી હતી કે લોકસભાની કાર્યવાહીમાં વપરાતા ‘હાઉસ’, ‘લોબી’ અને ‘ગેલેરી’ શબ્દો હવે નવા બિલ્ડિંગનો સંદર્ભ લેશે. તેમણે કહ્યું કે,જૂની સંસદમાં આપણે સવારે એકઠા થયા હતા તે હવે સંવિધાન સદન તરીકે ઓળખાશે. આ જાહેરાત બાદ બિરલાએ બુધવારે સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું હતું કે જૂના સંસદ ભવનનું નામ ‘સંવિધાન સદન’ રાખવું જોઈએ. લોકસભા સચિવાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, લોકસભાના અધ્યક્ષને એ જણાવતા આનંદ થાય છે કે જૂનું સંસદ ભવન હવે બંધારણ ગૃહ તરીકે ઓળખાશે.
