પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાની કોર્ટે 14 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ તેમના અંગત જીવનમાં મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાન અને ભૂતપૂર્વ પ્રથમ મહિલા બુશરા બીબીના લગ્નને ગેર-ઈસ્લામિક જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં 4 દિવસ પછી ચૂંટણી યોજાવા જઈ રહી છે અને સ્થાનિક કોર્ટના આ નિર્ણયથી પીટીઆઈ નેતા માટે મોટી મુશ્કેલી આવી ગઈ છે. આ પહેલા ઈમરાન ખાને નામ લીધા વગર આરોપ લગાવ્યો હતો કે આર્મી ચીફે તેમને ઓફર કરી છે કે જો તેઓ 3 વર્ષ સુધી રાજનીતિથી દૂર રહે તો તેમના લગ્ન બચાવી શકાય છે. ઈમરાન ખાને આમ કરવાની ના પાડી દીધી હતી. સુનાવણી દરમિયાન બુશરા બીબીની તેના પૂર્વ પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પાકિસ્તાનની એક કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ઈમરાન ખાને ઈદ્દત દરમિયાન બુશરા બીબી સાથે લગ્ન કર્યા હતા, જે ગેર-ઈસ્લામિક છે. ઈમરાન ખાન અને બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા ઈમરાન ખાનને તોશાખાના અને સાયફર નામના બે અન્ય કેસમાં કુલ 24 વર્ષની જેલની સજા થઈ હતી. તોશાખાના કેસમાં બુશરા બીબીને પણ કોર્ટે જેલની સજા ફટકારી છે. ઈમરાન ખાનનું ઘર બનીગાલા જેલમાં ફેરવાઈ ગયું છે અને ત્યાં જ બુશરા બીબી પોતાની સજા ભોગવી રહી છે.

આ પહેલા બુશરાના પૂર્વ પતિએ આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાન અને બુશરાના લગ્ન પહેલા ગેરકાયદેસર સંબંધો હતા. બુશરા બીબીના પૂર્વ પતિ ખ્વાર મેનકાએ આરોપ લગાવ્યો છે કે ઈમરાન ખાને તેમનું ઘર તોડી પાડ્યું અને તેમના બાળકો ડિપ્રેશનમાં આવી ગયા છે. ઈમરાન ખાને તમામ આરોપોને ફગાવી દીધા છે. દરમિયાન, જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીએ શુક્રવારે 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીઓ પહેલાં નિર્ણાયક આંતરિક ચૂંટણીઓ યોજવાનો નિર્ણય પાછો ખેંચી લીધો, “વહીવટ દ્વારા સર્જાયેલી કમનસીબ સુરક્ષા પરિસ્થિતિ” અને સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ટાંકીને. દેશની સામાન્ય ચૂંટણીને માંડ એક સપ્તાહ બાકી છે. 71 વર્ષીય ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ ગુરુવારે 5 ફેબ્રુઆરીએ સંગઠનાત્મક ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી.
પાર્ટી અધ્યક્ષ ગૌહર ખાને પૂર્વ વડાપ્રધાનના નિર્દેશ પર સંગઠનાત્મક ચૂંટણીને સ્થગિત કરવાની જાહેરાત કરી અને કહ્યું કે સંગઠનાત્મક ચૂંટણી આગામી સપ્તાહે થનારી સામાન્ય ચૂંટણીઓથી ધ્યાન હટાવી શકે છે. ડોન અખબારના સમાચાર અનુસાર, શુક્રવારે જારી કરાયેલ એક સૂચનામાં, પાર્ટીએ કહ્યું કે તેની આંતરિક ચૂંટણી હવે સામાન્ય ચૂંટણીઓ પછી યોજવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે “વહીવટીતંત્ર દ્વારા સર્જાયેલી કમનસીબ સુરક્ષા પરિસ્થિતિ” અને સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને કારણે પાર્ટીની આંતરિક ચૂંટણીઓ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
