કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમની ચાલુ બે દિવસીય ગુજરાત મુલાકાતે આજે આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી ગાંધીનગર મતવિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત હતા. બે દિવસીય મુલાકાતમાં અમદાવાદમાં પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. જેમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય કાર્યક્રમનો સમાવેશ થાય છે. પરંતુ અચાનક તમામ કાર્યક્રમો રદ કરી ગૃહમંત્રી અમિત શાહ રાજધાની દિલ્હી પરત ફર્યા છે. ગુજરાતથી દિલ્હી તાકીદ પરત ફરવાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે વર્તુળોમાં ચર્ચા છે કે રાજધાનીમાં ખેડૂત આંદોલનના વધતા પ્રભાવને ટાળવા ગૃહમંત્રી અમિતશાહ દિલ્હી પંહોચ્યા છે.
અમિત શાહ ગુજરાતમાં કેટલાક પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન કરવાના હતા. હવે તેમના સ્થાને તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાણંદના મુખ્ય પ્રોજેક્ટ્સ તાલુકા ક્રે-વિક્રય સંઘના ગોડાઉન અને પરિસરનું લોકાર્પણ કર્યું. તેમજ મોડાસર ગામમાં પુનઃવિકસિત બાળગંગા તળાવ અને ઝોલાપુર ગામમાં સુશોભિત ઝોલાપુર તળાવનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત રાજ્યના વિકાસની ગતિનો સંકેત આપતા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નેજા હેઠળ વિવિધ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો.
ગતરોજ ખેડૂતોની સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ જતા ખેડૂત સંગઠન દ્વારા ચલો દિલ્હીની જાહેરાત કરવામાં આવી. ખેડૂતો 2500 ટ્રેકટરો સાથે મોટી સંખ્યામાં દિલ્હી પંહોચી રહ્યા છે. ખેડૂત સંગઠનો દ્વારા ચલો દિલ્હીની જાહેરાત બાદ દેશભરના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને પગલે દિલ્હી અને હરિયાણાની બોર્ડર સીલ કરવામાં આવી છે. અને મેટ્રો સ્ટેશનની કેટલીક ટ્રેન રદ કરવા સાથે લાલ કિલ્લાની સુરક્ષામાં વધારો કરાયો છે. અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હીમાં ખેડૂતોનો ઘેરાવો વધ્યો છે. પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ના ઝૂકતા MSP સહિતના તમામ મહત્વની 10 માંગણીઓ પૂર્ણ કરાવાના સંકલ્પ સાથે ખેડૂતો વધુ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. દેખાવકારો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. તેમજ બોર્ડર પર તૈનાત પોલીસ દ્વારા ખેડૂતોને અટકાવવા જતા સંઘર્ષની સ્થિતિ જોવા મળી. ખેડૂત આંદોલનના કારણે દિલ્હીમાં સ્થિતિ વધુ વણસતી દેખાઈ રહી છે.
નોંધનીય છે કે પીએમ મોદી 14 ફેબ્રુઆરીના રોજ UAE ખાતે BAPSનું હિન્દુ મંદિરનું ઉદ્ઘઘાટન કરવાના છે. આજ સાંજે પીએમ મોદી યુએઈ જવા રવાના થશે. ત્યારે રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલનનો મોરચાને નિયંત્રણમાં લાવવા ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતના તમામ કાર્યક્રમો રદ કરી દિલ્હી પંહોચ્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
